લંડનઃ યુકેમાં વધુ એક વર્ષ વિક્રમી નીચાં વ્યાજ દર જોવાં મળે તો નવાઈ નથી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ વ્યાજ દરોમાં કાપથી દરો શૂન્યથી નજીક પહોંચે તેવી શક્યતા નકારી નથી. ફાઈનાન્સિયલ માર્કેટની ઉથલપાથલથી સર્વિસ સેક્ટરમાં મંદી અને બ્રેક્ઝિટના ભયે વ્યાજ દરો ઐતિહાસિક નીચાં સ્થળે રહી શકે છે.
યુકેમાં સતત સાત વર્ષથી વ્યાજ દરો સૌથી નીચાં રહ્યાં છે અને હાલ ૦.૫ ટકાના ઐતિહાસિક તળિયે પહોંચ્યાં છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નીતિનિર્ણાયકો માની રહ્યા છે કે ફૂગાવામાં ઝડપી વૃદ્ધિની ચિંતા વિના ઋણ લેવાની કોસ્ટ યથાવત રાખી શકાશે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યાજ દર ઘટીને શૂન્યથી નજીક પહોંચવાનો વિચાર રજૂ કર્યો છે અને ગવર્નર કાર્નીએ તેને વિકલ્પ તરીકે સ્વીકાર્યો પણ છે.