લંડનઃ ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઓળવીને લંડનમાં લક્યુઝુરિયસ જીવન જીવી રહેલા નીરવ મોદીને આખરે જેલના સળિયા ગણવાના દિવસો આવ્યા છે. ભારતીય તપાસ એજન્સીઓને ચકમો દઇને નાસતા-ફરતા નીરવ મોદીને સ્કોટલેન્ડ યાર્ડે ૨૦ માર્ચે લંડનમાંથી ઝડપી લઇને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાં કોર્ટે તેની જામીનઅરજી ફગાવી દઇને કેસની આગામી સુનાવણી સુધી એટલે કે ૨૯ માર્ચ સુધી જેલમાં મોકલી આપ્યો હતો. આમ વિશ્વના અનેક દેશોમાં મહાલયો ધરાવતો નીરવ મોદી આજે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વધુ પુરુષ કેદીઓ ધરાવતી વોન્ડ્ઝવર્થ પ્રિઝનમાં દિવસો વીતાવી રહ્યો છે.
આ સુનાવણી ચીફ મેજિસ્ટ્રેટ એમા આર્બુથ્નોટ દ્વારા હાથ ધરાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બરમાં આ જ મેજિસ્ટ્રેટે હાલમાં બંધ પડેલી કિંગફિશર એરલાઈનના માલિક અને લિકર બેરન ભાગેડુ આરોપી વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણ અરજીની સુનાવણી પણ કરી હતી.
નીરવને સૌથી ભરચક વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયો
કોર્ટે જામીન અરજી ફગાવતાં કરોડોનાં કૌભાંડી નીરવ મોદીને હોળી- ધુળેટીનાં તહેવારો બ્રિટિશ જેલમાં ગાળવા પડયા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સૌથી વધુ ૧૪૩૦ પુરુષ કેદી ધરાવતી આ જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદી છે. મોદીની સાથે આ જેલમાં બંધ કેદીઓમાં દાઉદ ઈબ્રાહિમના સાથી અને પાકિસ્તાનના વતની જબીર મોતીનો પણ સમાવેશ થાય છે. સરકારના રિપોર્ટ અનુસાર આ જેલમાં ડ્રગ્સ તસ્કરો, માનસિક બીમારી ધરાવતા અપરાધીઓનો સમાવેશ થાય છે. એમ પણ જાણવા મળ્યું છે કે નીરવ મોદીએ હાલ જેલમાં શૈક્ષણિક અભ્યાસક્રમોમાં રસ લેવાનું શરૂ કર્યું છે.
ત્રણ દેશોના પાસપોર્ટની કબુલાત અને અરજી રદ
નીરવ મોદીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તે ક્યાંય નાસી જાય તેમ ન હોવાથી જામીન મળવા જોઇએ. કોર્ટમાં જામીન અરજી અંગે દલીલો કરતા મોદીના બેરિસ્ટર જ્યોર્જ હેપબર્ન સ્કોટે તેમના અસીલની અન્ય દેશોમાં અવરજવર અને તેના ડોક્યુમેન્ટ્સની માહિતી આપતા જણાવ્યું હતું કે નીરવ મોદી પાસે ત્રણ દેશોના પાસપોર્ટ છે. તેમણે દાવો કર્યો હતો કે મોદીને જામીન અપાશે તો જામીન પુરા થતાં જ સમયસર હાજર થશે અને ખાતરી માટે તેમના ટ્રાવેલિંગ દસ્તાવેજો જમા કરવા તૈયાર છે.
નીરવ તરફથી બેરિસ્ટર જ્યોર્જ હેપબર્ન-સ્કોટ સાથે વકીલ આનંદ દુબેએ પણ રજૂઆત કરી હતી. તેમણે નીરવ મોદીની તરફથી પાંચ લાખ પાઉન્ડના બોન્ડ અને જામીનની કઠોર શરતોનું અનુપાલન કરવાનું વચન આપ્યું હતું.
જોકે, કોર્ટે કહ્યું હતું કે નીરવ મોદી પર લગાવાયેલા આરોપોની રકમ બહુ જ મોટી છે. આથી તેને જામીન પર ન છોડી શકાય. સાથોસાથ કોર્ટે તે આત્મસમર્પણ નહિ કરે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. નીરવ મોદી પાસે ત્રણ દેશોના પાસપોર્ટ હોવાના દાવા મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ મેરી મેલોને કહ્યું હતું કે તેઓ અન્ય દેશોમાં ભાગી શકે છે. અંતે નીરવ મોદીની દલીલો ફગાવી તેને ૨૯મી સુધી જેલમાં મોકલી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાએ પણ પોતાના પ્રત્યાર્પણ કેસમાં આ જ કાનૂની નિષ્ણાતોની મદદ લીધી હતી.
નીરવ મોદી અંગે કેટલાક ખુલાસા પણ થઈ રહ્યા છે, એવા અહેવાલો છે કે નિરવ મોદી પોતાની વેશભૂષા બદલીને અલગ અલગ દેશોમાં ફરી રહ્યો હતો. નીરવ મોદીનો પાસપોર્ટ ભારતે રદ કરી દીધા છતાં તે પોતાની ઓળખ છુપાવી અલગ અલગ પાસપોર્ટનો ઉપયોગથી અન્ય દેશોમાં અવરજવર કરતો હતો. પાસપોર્ટ રદ થયા બાદ નીરવ મોદી ત્રણ દેશોમાં ગયો હતો અને પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. મોદીએ ઓળખ છૂપાવવા અને ધરપકડથી બચવા પ્લાસ્ટિક સર્જરીથી લઈને કેટલાક દેશોમાં વિદેશી નાગરિકત્વ મેળવી લેવાના હવાતિયા માર્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે તે ભારત છોડીને ભાગ્યો ત્યારે તેને દાઢી અને મૂંછો નહોતી. જોકે, હાલ તે મૂંછ અને દાઢી રાખતો થઈ ગયો છે.
નીરવની ૧,૮૭૩ કરોડની સંપત્તિ જપ્ત
પીએનબી કૌભાંડમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નીરવ મોદીની ૧,૮૭૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. નીરવ મોદીના પરિવાર સાથે સંકળાયેલી કુલ ૪૯૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. ઈડી દ્વારા આ કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ નીરવની પત્ની એમીને પણ આરોપી જાહેર કરાઈ હતી. આ સિવાય ઈગ્લેન્ડ, અમેરિકા, સિંગાપુર અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ ૯૬૧.૪૯ કરોડની સંપત્તિ જપ્ત કરવામા આવી હતી. લંડનમાં નીરવ મોદીની ધરપકડ બાદ પીએનબીના શેરમાં ૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
બહેને રૂપિયા ૧,૨૦૧ કરોડની હેરાફેરીમાં મદદ કરી
રૂપિયા ૧૪,૦૦૦ કરોડનું પીએનબી કૌભાંડ આચરી વિદેશ ભાગી ગયેલા નીરવ મોદીને તેની બહેન પૂર્વી મહેતાએ બોગસ કંપનીઓ દ્વારા રૂ. ૧,૨૦૧.૧૮ કરોડની હેરાફેરી કરવામાં મદદ કરી હોવાનો આક્ષેપ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે લગાવ્યો છે. ઈડી દ્વારા કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાયેલી પૂરક ચાર્જશીટમાં પૂર્વી મહેતા દુબઈ અને હોંગકોંગ ખાતેની કંપનીમાં ડિરેકટર હોવાનો ખુલાસો કરાયો છે. પૂર્વી મહેતા બ્રિટિશ ર્વિજનિયા ટાપુ ખાતેની લીલી માઉન્ટેન ઇન્વેસ્ટમેન્ટમાં ડિરેકટર છે. આ કંપની દ્વારા માર્ચ ૨૦૧૩થી માર્ચ ૨૦૧૪ વચ્ચે રૂપિયા ૩૪૩.૦૨ કરોડનું મની લોન્ડરિંગ કરાયું હતું. આ ઉપરાંત, ફોરકોમ વર્લ્ડવાઇડ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ૩ કરોડ ડોલર અને ઝેડ બ્રિજ હોલ્ડિંગ્સ દ્વારા બે કરોડ ડોલરની હેરાફેરી કરાઈ હતી. આટલી જ રકમ ફાયરસ્ટાર ઇન્ટરનેશનલમાં રોકવામાં આવી હતી.
નીરવ મોદીને જામીન મળવાનું મુશ્કેલ
નીરવ મોદી ઉપર આરોપ : નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી ઉપર એલઓયુ દ્વારા પીએનબીની ૧૩,૦૦૦ કરોડથી વધુ રકમ વિદેશમાં સેરવી દેવાના આરોપ છે. બંનેએ વિદેશમાં અને ભારતમાં બનાવટી કંપનીઓ બનાવીને તેના બનાવટી ડાયરેક્ટર્સ ઊભા કરીને પંજાબ નેશનલ બેન્ક સાથે મોટાપાયે છેતરપિંડી કરી હતી. આ આર્થિક અપરાધ કરીને તેઓ વિદેશ ભાગી ગયા હતા. આ ઉપરાંત, તેણે લોકોને બનાવટી હીરા વેચ્યા છે. વિવિધ સેલેબ્સને પણ આ રીતે છેતર્યા છે. નીરવ મોદીએ લંડનમાં ભવ્ય એપાર્ટમેન્ટમાં રહેવા સાથે ત્યાં નવા નામે બિઝનેસ પણ શરૂ કરી દીધો હતો. આ બધા કારણે જ તેને જામીન મળવાનું મુશ્કેલ જણાઈ રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે.
નીરવ મોદીનો કેસ લાંબો ચાલી શકે છે
ભાગેડુ જ્વેલર અને હીરાના વેપારી નીરવ મોદીને હાલ ભલે લંડનની જેલમાં રખાયો હોય પરંતુ, તેને ભારત લાવવાનું મુશ્કેલ બની રહેશે તેમ આ કેસ અને ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિના જાણકાર નિષ્ણાતોનું કહેવું છે. મોદીનો બચાવ મુખ્યત્વે તે ભારતીય નાગરિક નથી, તેની પાસે યુરોપિયન પાસપોર્ટ હોવાથી તેને યુરોપિયન યુનિયનના કાયદા લાગુ પડશે, તે રાજકીય વેરભાવનાનો શિકાર છે તેમજ ભારતમાં તેને રાખવામાં આવશે તે જેલની હાલત સહિતના કારણો પર આધારિત રહેશે. વિજય માલ્યાની જેમ જ નીરવ મોદીનો પણ કેસ લાંબા સમય સુધી ચાલશે. માલ્યાના પ્રત્યાર્પણના કેસમાં બે મહિના પછી તેને જામીન આપી દેવાયા હતા. કેસ હજી ચાલી જ રહ્યો છે. નીરવ મોદીનો કેસ પણ આ જ રીતે ચાલે તો નવાઈ નહીં. અદાલત પ્રત્યાર્પણનો ચુકાદો આપશે તો બ્રિટનના હોમ સેક્રેટરીએ આદેશનું પાલન કરીને કોર્ટના આદેશો ઉપર હસ્તાક્ષર કરવા પડશે. હાલમાં આ કેસ સીધો જ પ્રત્યાર્પણનો દેખાય છે તેથી આ કેસ ચાલવામાં વાંધો નહિ આવે તેમ છતાં આગળ જતાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. હોમ સેક્રેટરી પ્રત્યાર્પણનો આદેશ કરે ત્યારે જો નીરવ પાસે યુરોપના અન્ય દેશની નાગરિકતા હોવાનું બહાર આવે તો પછી જે-તે દેશના કાયદા પ્રમાણે કામગીરી કરવી પડશે. આ સ્થિતિમાં પણ કેસ લાંબો ચાલી શકે છે.
નીરવ મોદીએ બ્રિટનમાં આશ્રય માગ્યો હશે તો કોર્ટ પહેલાં તેને શરણ આપવા અંગે નિર્ણય કરશે અને ત્યારબાદ તેને પ્રત્યાર્પણ અંગે નિર્ણય લેશે. રાજ્યાશ્રય માગવાની અરજી કોર્ટ ફગાવે તો જ તેના પ્રત્યાર્પણની અરજી ઉપર સુનાવણી શક્ય બનશે.
બ્રિટન ભાગેડુઓ માટેનું સ્વર્ગ શા માટે?
બ્રિટન સંખ્યાબંધ ભારતીય આરોપીઓ માટે સ્વર્ગસમાન બની રહ્યું છે. એક સમયે બ્રિટિશ તાજ હેઠળ રહેલા ભારત અને બ્રિટનમાં ઘણા કાયદા એકસમાન છે. ભાગેડુઓ આ સમાનતાનો લાભ લેતા હોય છે. ભાગેડુઓ કાયદાની છટકબારીઓ શોધીને ત્યાં શરણ લેતા હોય છે. સૌથી મોટો ફાયદો એ છે કે, ભારતીય મૂળના ઘણા લોકો અહીં રહે છે અને ઘણાં વિસ્તારો મિનિ ઈન્ડિયા જેવા હોવાથી સંતાઈ રહેવું સરળ છે. અનેક ભારતીય ઉદ્યોગપતિઓ, સેલેબ્રિટીઝ અને નેતાઓના મકાaનો બ્રિટનમાં હોવાના કારણે સરળતાથી આશરો મળી રહે છે. માલ્યા જેવા ઘણા ભાગેડુઓ પાસે પહેલેથી જ લંડનમાં ઘર હોવાથી તેમના માટે રહેવાસ અને આશ્રય મેળવવું સરળ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ઓસ્ટ્રેલિયાથી દૂર પાસિફિક મહાસાગરમાં આવેલા ટાપુરાષ્ટ્ર વાનુઆટુની નાગરિકતા મેળવવાના પ્રયાસ પણ નીરવ મોદીએ કર્યા હતા. અહીં માનદ નાગરિકતા મેળવવા ૧૯૫,૦૦૦ ડોલર ચુકવવાના રહે છે પરંતુ, સરકારની એજન્સીના તપાસમાં નીરવ મોદી વિરુદ્ધના પુરાવાઓ મળતા તેની અરજી ફગાવી દેવાઈ હતી. આવું જ સિંગાપોર સરકારે નીરવ મોદીની નાગરિકતા અરજી મુદ્દે કર્યું હતું.