લંડનઃ ટીપુ સુલતાનની વારસ અને બ્રિટિશ ભારતીય જાસૂસ નૂર ઇનાયત ખાનને અપ્રતિમ સાહસ અને બહાદૂરી માટે જ્યોર્જ ક્રોસ મેડલથી સન્માનિત કરાયા હતા. તેમનો આ મેડલ આગામી મહિનાથી નોર્થવેસ્ટ લંડનમાં કોલિનડેલ ખાતે આવેલા રોયલ એરફોર્સ મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત કરાશે.
નૂર ઇનાયત ખાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ સાથે અંડરકવર એજન્ટ તરીકે પેરિસ ગયા હતા અને ત્યાં તેમણે સાથી દેશોની સેનાઓ માટે પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. જર્મન કબજા હેઠળના ફ્રાન્સમાં જાસૂસ તરીકેની કામગીરીમાં અપ્રતિમ સાહસ માટે તેમને યુકેના સર્વોચ્ચ નાગરિક સન્માન જ્યોર્જ ક્રોસ મેડલથી મરણોત્તર સન્માનિત કરાયા હતા. સપ્ટેમ્બર 1944માં ડાશાઉ કોન્સન્ટ્રેશન કેમ્પ ખાતે નાઝીઓ દ્વારા તેમને મૃત્યુદંડ અપાયો તે પહેલાં ભયાનક અત્યાચાર ગુજારાયા હતા.
સ્પાય પ્રિન્સેસઃ ધ લાઇફ ઓફ નૂર ઇનાયત ખાન પુસ્તકના લેખિકા શ્રબાની બાસુએ જણાવ્યું હતું કે, નૂરનો જ્યોર્જ ક્રોસ મેડલ આરએએફના મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત થઇ રહ્યો છે તે જાણીને ઘણો આનંદ થયો છે. હવે દર વર્ષે આવતા હજારો મુલાકાતીઓ આ મેડલને જોઇ શકશે.