લંડનઃ 2024ના પ્રથમ 6 મહિનામાં યુકેમાં ઇમિગ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પરંતુ રાજ્યાશ્રયના પડતર દાવાઓ વિક્રમજનક સપાટી પર પહોંચી જતાં અસાયલમ સિસ્ટમ ધરાશાયી થવાના આરે પહોંચી છે. જાન્યુઆરીથી જૂન વચ્ચે વિદેશી નાગરિકોને જારી કરાયેલા વિઝામાં ગયા વર્ષના આજ સમયગાળાની સરખામણીમાં 1,56,000નો ઘટાડો નોંધાયો છે. હોમ ઓફિસના આંકડા અનુસાર 2024માં જારી કરાયેલા વિઝામાં 27 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે 5,83,000 વિઝા જારી કરાયા હતા જેની સરખામણીમાં આ વર્ષે 4,27,000 વિઝા જારી કરાયા છે.
2024ના પ્રારંભે તત્કાલિન સુનાક સરકાર દ્વારા લાગુ કરાયેલા કેર વર્કર્સ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર પરિવારના સભ્યોને યુકેમાં લાવવા પર પ્રતિબંધ સહિતના વિઝા નિયંત્રણો બાદ કુલ વર્ક વિઝામાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે 2023ના પ્રથમ 6 મહિનાની સરખામણીમાં 2024ના પ્રથમ 6 મહિનામાં હેલ્થ અને કેર વિઝામાં 50 ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે. 2023માં 1,78,000 વિઝાની સામે 2024માં 84,500 વિઝા જારી કરાયાં હતાં.
વિદેશી વિદ્યાર્થીઓને જારી કરાયેલા વિઝામાં પણ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2023માં 1,55,000 સ્ટુડન્ટ વિઝાની સામે 2024માં 93,600 વિઝા જારી કરાયાં હતાં. ભારતીય અને નાઇજિરિયન વિદ્યાર્થીઓની અરજીમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
કાયદેસર અને સુરક્ષિત રીતે યુકેમાં આવતા નિરાશ્રીતોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. જોકે રાજ્યાશ્રયવાંચ્છુઓના દાવાઓમાં વધારો થયો છે. દાવા અંગેના પ્રારંભિક નિર્ણય માટે રાહ જોઇ રહેલા રાજ્યાશ્રયવાંચ્છુઓની સંખ્યા જૂનના અંતે 1,18,882 પર પહોંચી હતી. રાજ્યાશ્રય અંગેના નિર્ણયની રાહ જોનારા કુલ દાવેદારોની સંખ્યા 2,24,742ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગઇ હતી. નકારી કાઢેલા દાવાની સામે અપીલમાં ગયેલા દાવેદારોની સંખ્યા પણ લાખોની છે.