લંડનઃ વિશ્વમાં સૌથી મોટા ચોકલેટ ઉત્પાદકોમાં એક કંપની નેસ્લે દ્વારા યુકે અને આયર્લેન્ડમાં ૨૦૧૮ સુધીમાં તેની કન્ફેક્શનરીમાંથી ૧૦ ટકા ખાંડનું પ્રમાણ ઓછું કરવામાં આવશે. સુગરમાં આટલો કાપ મૂકવા છતાં તેમાં કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરવામાં નહિ આવે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા આ જાહેરાતને આવકાર અપાયો છે.
અનેક પ્રખ્યાત ચોકલેટ્સનું ઉત્પાદન કરતી નેસ્લે કોર્પોરેશનનું કહેવું છે કે તેના ઉત્પાદનોમાં તે ૧૦ ટકા ખાંડનો કાપ મૂકશે, જેનું કુલ પ્રમાણ ૭,૫૦૦ ટન જેટલું હશે. દેશના લોકોના આહારમાં ખાંડનું પ્રમાણ અને તેના પરિણામે સ્થૂળતામાં વધારા અંગે જાહેર ચિંતાના પગલે નેસ્લે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સોફ્ટ ડ્રિન્ક પર સુગર લેવી લાદવામાં આવશે તેવી જાહેરાત પછી ટેક્સમાંથી બચવા અનેક બ્રાન્ડ્સ દ્વારા રિફોર્મ્યુલેશન કરાઈ રહ્યું છે. જોકે, કોકા-કોલા અને પેપ્સીકો દ્વારા આવા કોઈ પગલાં જાહેર કરાયાં નથી. આહારમાં ખાંડના પ્રમાણ પર ટેક્સની હાલ શક્યતા નથી પરંતુ, દેશમાં ખાંડના વપરાશમાં ઘટાડો નહિ થાય તો સરકાર દ્વારા આવું પગલું લેવાઈ શકે તેવો સંકેત ચોક્કસ અપાયો છે.
નેસ્લેએ જણાવ્યું હતું કે તેની કન્ફેક્શનરીમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરવામાં નહિ આવે. સ્વાદમાં ફેર પડે નહિ તે રીતે ખાંડના બદલે વર્તમાન અન્ય ઘટકોનું પ્રમાણ વધારાશે. નવેમ્બરમાં નેસ્લેએ જાહેર કર્યું હતું કે તેના વિજ્ઞાનીઓએ ખાંડના બંધારણમાં ફેરફારની પદ્ધતિ વિકસાવી છે, જેના કારણે ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ ૪૦ ટકા સુધી ઘટાડી શકશે.