લંડનઃ વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી લિઝ કેન્ડાલે ચેતવણી આપી છે કે કામ નહીં કરનાર અને તાલીમની તકોનો અસ્વીકાર કરનારા યુવાઓને બેનિફિટ્સથી વંચિત કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર નવી સ્કીલ માટેની તકોનું સર્જન કરવા માગે છે પરંતુ તે શરતોને આધીન રહેશે. જો લોકો વારંવાર તેમને અપાતી તાલીમ અને કામની જવાબદારીઓ સ્વીકારવાનો ઇનકાર કરશે તો તેમના બેનિફિટ્સ પર પ્રતિબંધ આવી શકે છે.
કેન્ડાલે જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે નવી તકો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે અને અમે તે કરીશું. અમે તકોમાં બદલાવ લાવીશું પરંતુ યુવાઓએ તે તકો ઝડપી લેવી પડશે. સરકાર આગામી પાંચ વર્ષમાં વેલ્ફેર પાછળ થતા ખર્ચમાં 3 બિલિયન પાઉન્ડનો ઘટાડો કરવા ઇચ્છે છે. પાર્ટી આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે પોતાના સુધારા લાવશે.
સરકારના તાજેતરના આંકડા અનુસાર 2029 સુધીમાં ઇનકેપેસિટી બેનિફિટ્સનો દાવો કરનારા લોકોની સંખ્યા 4.2 મિલિયન પર પહોંચી જશે જે વર્ષ 2019માં 2.5 મિલિયન હતી. 2023માં આ બેનિફિટ્સના દાવેદારોની સંખ્યા 3 મિલિયન કરતાં વધુ રહી હતી.
સરકાર સબસિડાઇઝ્ડ જોબ સ્કીમ શરૂ કરવા પર પણ વિચારણા કરી રહી છે.
સરકારની ગ્રેટ બ્રિટન વર્કીંગ યોજના, 240 મિલિયન પાઉન્ડ ફાળવશે
લંડનઃ વધુ લોકો કામ કરતા થાય તે માટે સરકારે મોટા સુધારાના વચન આપ્યાં છે. ગ્રેટ બ્રિટન વર્કીંગ યોજના અંતર્ગત સરકાર 240 મિલિયન પાઉન્ડની આર્થિક સહાય આપશે. સમગ્ર બ્રિટનમાં હાલના જોબ સેન્ટર નેટવર્કમાં ધરમૂળથી બદલાવ કરાશે. વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ સુધારા બેરોજગારી અને નિષ્ક્રિયતાને દૂર કરશે. આ માટે સરકાર જોબ સેન્ટરોને નેશનલ જોબ્સ એન્ડ કેરિયર્સ સર્વિસ નામ આપશે. 18થી 21 વર્ષના તમામ યુવાઓને એપ્રેન્ટિસશિપ, ટ્રેનિંગ અને એજ્યુકેશનની તકો ઉપલબ્ધ કરાવાશે.