લંડનઃ નોટિંગહામ હત્યાકાંડની જજના નેતૃત્વમાં પબ્લિક ઇન્કવાયરી કરાવવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. જૂન 2023માં વાલ્દો કેલોકેન દ્વારા કરાયેલા હુમલામાં 19 વર્ષીય ભારતીય મૂળની મેડિકલ સ્ટુડન્ટ ગ્રેસ ઓમોલી કુમાર, બાર્નાબી વેબર અને 65 વર્ષીય ઇયાન કોટ્સનાં મોત થયાં હતાં. મૃતકોના પરિવારોએ સરકારની જાહેરાતને આવકારી છે.
30 વર્ષીય હત્યારા કેલોકેને હત્યાના આરોપ કબૂલી લીધા હતા પરંતુ તેની માનસિક સ્થિતિને આધારે તેને આજીવન હોસ્પિટલમાં રાખવાનો અદાલત દ્વારા આદેશ અપાયો હતો. જેનો મૃતકોના પરિવારો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો.
ગ્રેસના પિતા ડો. સંજોય કુમારે વડાપ્રધાન સ્ટાર્મર સાથે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, જે રીતે કેલોકેન સજાથી વંચિત રહ્યો તેના કારણે પરિવારો હતાશ થયાં હતાં. આ ઇન્કવાયરી દેશમાં સુરક્ષા માટે હકારાત્મક બદલાવો લાવી શકશે.
બાર્નાબીની માતા એમ્મા વેબરે જણાવ્યું હતું કે, લાંબા સમય પછી અમને કોઇ સકારાત્કમ સમાચાર મળ્યાં છે. પરિવારો સાથેની મુલાકાતમાં વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, વિવિધ એજન્સીઓની તપાસ કરાશે અને એક નિવૃત્ત જજની આગેવાનીમાં પબ્લિક ઇન્કવાયરી કરાશે. ડો. કુમારે જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય પરિવારોને મોટી રાહત આપનારો છે.