લંડનઃ નોટિંગહામ હત્યાકાંડની પ્રથમ વરસી પર પીડિત પરિવારોએ હત્યારા વાલ્ડો કેલોકેનને સજા અપાવવામાં તપાસ અધિકારીઓની નિષ્ફળતા સામેની લડાઇ વધુ ઉગ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. ભારતીય મૂળની ગ્રેસ મેલી કુમાર, બાર્નાબી વેબર અને ઇયાન કોટ્સના પરિવારોએ જવાબદારી માટેની લડાઇ આગળ ધપાવવાની પ્રતિજ્ઞા કરતાં જણાવ્યું હતું કે, અમારા સવાલોના જવાબો શોધી કાઢવા તમામ પ્રયાસો સાથે મદદ કરવા લીગલ ટીમને અપીલ કરી છે. અમે અમારા સ્વજનોને ન્યાય અપાવવા તેમજ વ્યક્તિગત તથા સંસ્થાગત જવાબદારી નક્કી કરવા માટેના અમારા અથાક પ્રયાસો જારી રાખીશું. અમારા ત્રણે પરિવારો આજે શોકગ્રસ્ત છે તેની સાથે સાથે પોલીસની નબળી કાર્યવાહી, ન્યાય અપાવવામાં નિષ્ફળતા, નબળી અદાલતી કાર્યવાહી અને ફરજ ચૂક માટે અમારામાં આક્રોશ પણ પ્રવર્તી રહ્યો છે.
13 જૂન 2023ના રોજ સર્જાયેલા આ હત્યાકાંડના આરોપી વાલ્દો કેલોકેનને જેલની સજાને સ્થાને હોસ્પિટલમાં રાખવાની સજા આપવામાં આવી છે. અદાલતે આ માટે વાલ્દો માનસિક બીમારીથી પીડાતો હોવાનું તારણ આપ્યું હતું.