લંડનઃ લેબર સરકારના મેનિફેસ્ટોમાં નોન ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરવાની યોજના અંગે ટ્રેઝરી દ્વારા પુનઃવિચારણા કરવામાં આવી રહી છે. ચિંતાનો વિષય એ છે કે નોન ડોમ સ્ટેટસ નાબૂદ કરવાથી સરકારને કરવેરામાં કેટલો લાભ થશે. શું અમીર વિદેશીઓએ યુકે છોડી દેવો જોઇએ. નોન ડોમ સ્ટેટસ એટલે યુકેમાં રહેતો એવો વ્યક્તિ જે ટેક્સના મામલામાં પોતાને વિદેશી હોવાનું કહેતો હોય છે.
ઓક્ટોબરમાં રજૂ થનારા લેબર સરકારના પ્રથમ બજેટની પ્રક્રિયાના ભાગરૂપે ઓફિસ ઓફ બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા કોઇ ચોક્કસ નીતિ અપનાવવામાં આવી નથી. ટ્રેઝરી ઓફિસના અધિકારીઓનું માનવું છે કે અગાઉની સરકાર દ્વારા નોન ડોમ સ્ટેટસમાં અપાયેલી બે છૂટછાટને નાબૂદ કરવાથી સરકારને 1 બિલિયન પાઉન્ડની આવક થઇ શકશે નહીં. લેબર સરકાર આ પ્રસ્તાવિત આવક હોસ્પિટલ, ડેન્ટલ અને સ્કૂલ બ્રેકફાસ્ટ ક્લબ માટે ફાળવવા ઇચ્છે છે.
અગાઉના ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા નોન ડોમ સ્કીમને અચાનક રદ કરાતાં અપાયેલા કન્સેશન વિદેશમાં કાયમી સરનામુ ધરાવતા પરંતુ યુકેમાં રહેતા અમીરોને અપાતી રાહતો ઘટાડવા માટે હતાં. જોકે ઓબીઆર દ્વારા કરાયેલી સમીક્ષા અનુસાર સરકારને થયેલી આવક અનિશ્ચિત રહી હતી.