લંડનઃ નોર્થ ડેવોનમાં આવેલા બાઇડફર્ડના કલોવેલી ક્રોસમાં એક કોન્ક્રીટ વોટર ટેન્ક છેક 2000ની સાલથી સાવ બિનઉપયોગી પડી હતી. ફિલ્ટ્રેશન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રોબર્ટ હન્ટ નામના એક વ્યકિતએ દિમાગ લડાવ્યું અને તેણે પાણીની આ ટાંકીને ચાર બેડરૂમની સગવડ ધરાવતા ત્રણ માળના નિવાસસ્થાનમાં ફેરવી નાખી છે.
હન્ટ પોતાને રહેવા માટે એક સારી જગ્યાની તલાશમાં હતો ત્યારે જ ટાંકીનું ઓક્શન યોજાયું હતું. તેણે ઓક્શનમાં ભાગ લઇને 40,000 પાઉન્ડમાં તે ખરીદી લીધી. નવેમ્બર 2019માં કબજો મેળવ્યા પછી તેણે પાણીની ટાંકીને ઘરમાં પરીવર્તિત કરવા માટે જીવનની તમામ મૂડી ખર્ચી નાખી હતી.
પાણીની ટાંકીમાં તૈયાર થયેલું આ ઘર હવે સહુ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ટાંકીના ખુલ્લા કોન્ક્રીટને બહાર રાખવાના સ્થાને તેણે ટાવરને કાળા કલેન્ડિંગથી ઢાંકી દીધું હતું. એક આકર્ષક ફ્લોર પ્લાન જેની દિવાલો સફેદ રંગથી સુશોભિત છે. પહેલા માળમાં પ્લાન્ટ રૂમ, ક્લોક રૂમ અને એકસ્ટ્રા બેડરૂમ તથા બાથરૂમ છે. બીજા માળે તેણે ગોળાકાર જગ્યાની મધ્યમાં વોટર ટાવરના એક્સેસ શાફ્ટના ભાગનો ઉપયોગ કરીને મુખ્ય બાથરૂમ તૈયાર કર્યું છે. બાથરૂમની ફ્લોર ટાઈલ્સ અને દિવાલો સહિત બધું જ કાળું છે. ડબલ શાવર અને બેઝીનનો પણ સમાવેશ થાય છે.
ટેન્કના ગોળાર્ધમાં હવે મોટી બારીઓ ગોઠવવામાં આવી છે જેના લીધે પૂરતો કુદરતી પ્રકાશ મળતો હોવાથી જરા પણ અંધારુ લાગતું નથી.
મુખ્ય લિવિંગ એરિયા, ડાઇનિંગ રૂમ અને કિચન ટોપ ફલોર પર છે. ડાઇનિંગ એરિયા ઉંચા માળની મધ્યમાં છે જેને મૂળ વોટર ટેન્કના એકસેસ શાફટ પર બનાવાયો છે. ટેબલની મધ્યમાં કાચની પેનલ દ્વારા તે સ્પષ્ટ જોઇ શકાય છે. ગ્રાઉન્ડ ફલોરના બાથરૂમમાંથી ઉપર જાવ ત્યારે તેની અંદર સીડી સાથે અસલ એકસેસ શાફ્ટ જોઇ શકાય છે. બિલ્ડિંગની ચોતરફ બારીઓ મૂકી છે, જેથી બહારનો નજારો આરામથી જોઇ શકાય છે. આગળનો દરવાજો સૌથી મોટો એક માત્ર પ્રવેશ દ્વાર છે. લક્ઝુરિયસ ફલોર અને ચાર બેડ સમાવી શકે તેટલો વિશાળ બેડરૂમ તથા લિવિંગ રૂમ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. માસ્ટર બેડરૂમ પરથી આઠ બારીઓ થકી આસપાસનો સમગ્ર નજારો જોઇ શકાય છે. અંડરફલોર હિટીંગની સુવિધા ધરાવતું આ અનોખું નિવાસસ્થાન મે 2022માં તૈયાર થયા પછી રોબર્ટ હન્ટ તેમાં રહે છે.
શરૂઆતમાં રિનોવેશન પ્રોજેકટે આસપાસના લોકોમાં ખૂબ જ કૂતૂહલ જગાવ્યું હતું. ટાંકીના એક માત્ર ગેટમાં પ્રવેશતાંની સાથે જ કરોળિયાના ઝાળાં અને ઘોર અંધારુ જોવા મળતું હતું. આવા સ્થળને રહેણાંકમાં પરીવર્તિત કરવાની કલ્પના પણ થઇ શકે તેમ ન હતી. ટાંકીના ટોપ પર જવા માટે ટાવરના કેન્દ્ર પાસે એક સીડી હતી. વીજળીની પેનલ અને પાણીના ઇન - આઉટ પાઈપ સિવાય બીજું કંઈ જ ન હતું.
હન્ટે હિંમત હાર્યા વિના પાણીની ટાંકીને ઘરમાં બદલવા માટે આર્કિટેક્ટને હાયર તો કર્યો હતો, પરંતુ 95 ટકા જેટલું પ્લાનિંગ પોતાની કલ્પના મુજબ જ કર્યું હતું. પ્રોપર્ટી સાઈટ પાસે જ એક હંગામી ઘર તૈયાર કરીને હન્ટે ત્યાં જ ડેરાતંબૂ તાણ્યા હતા અને લેબરની જેમ 2.5 વર્ષ આકરી મહેનત કર્યા પછી ઘર તૈયાર થયું હતું. આમ તો હન્ટને મકાન નિર્માણનો અનુભવ હતો, પરંતુ પાણીની ટાંકીમાં ઘર તૈયાર કરવું એ સાવ જુદો જ અનુભવ હતો. આ ટાંકી 1940માં બની હતી જે વર્ષો સુધી આસપાસના વિસ્તારને પાણી પુરવઠો પુરો પાડતી હતી. સમગ્ર રિનોવેશન પાછળ 6 કરોડ રૂપિયા આસપાસનો ખર્ચ થયો છે.