લંડનઃ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી બ્રિટનની મુલાકાતે આવ્યા છે. તેમણે અન્ય અધિકારીઓની સાથે બકિંગહામ પેલેસથી હાઇડ પાર્ક સુધીના સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે હાઇડ પાર્કમાં જોગિંગની મઝા પણ માણી હતી. મમતા બેનરજીએ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે તેમના સન્માનમાં આયોજિત હાઇ ટી રિસેપ્શનમાં પણ હાજરી આપી હતી. તેમણે બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીને પોતાના દ્વારા તૈયાર કરાયેલ ચિત્ર પણ ભેટમાં આપ્યું હતું.
હાઇ કમિશન ખાતે આયોજિત સમારોહમાં સંબોધન કરતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને યુકે વચ્ચેના સંબંધો ઘણા મજબૂત છે કારણ કે આઝાદી પહેલાં બ્રિટિશ શાસનમાં કોલકાતા ભારતની રાજધાની હતું. આજે કોલકાતા ભારતની સાંસ્કૃતિક રાજધાની છે.
તેમણે જણાવ્યું હતું કે, બદલાતા વિશ્વમાં વિશ્વાસના આધારે ચાલતી અર્થપૂર્ણ ભાગીદારી અત્યંત મહત્વની છે. અમે પશ્ચિમ બંગાળ અને બ્રિટન વચ્ચેની આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારી વધુ મજબૂત કરવા ઇચ્છુક છીએ. અમે યુકે સ્થિત ભાગીદારો સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ.