લંડનઃ ઓફજેમ દ્વારા શુક્રવારે એનર્જી પ્રાઇસ કેપમાં વધારો કરાતાં પરિવારોના સરેરાશ એનર્જી બિલમાં જાન્યુઆરી 2025થી 21 પાઉન્ડનો વધારો થશે. એકતરફ સરકારે વિન્ટર ફ્યુઅલ પેમેન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેના કારણે લાખો પેન્શનરોના ખિસ્સા પર બોજો પડશે.
ઓફજેમ દ્વારા 1 જાન્યુઆરીથી એનર્જી પ્રાઇસ કેપ હાલની 1717 પાઉન્ડથી વધારીને 1738 પાઉન્ડ કરી દેવાઇ છે. અત્યાર સુધી એવી આશા હતી કે એનર્જી પ્રાઇસ કેપ યથાવત રખાશે અથવા તો તેમાં ઘટાડો કરાશે પરંતુ વિશ્વયુદ્ધના ભણકારા અને શિયાળો વધુ ઠંડો રહેવાની સંભાવના વચ્ચે વૈશ્વિક બજારોમાં ઇંધણોના વધી રહેલા ભાવને પગલે આ નિર્ણય લેવાયો છે.
ઓફજેમના ડિરેક્ટર જનરલ ઓફ માર્કેટ્સ ટીમ જાર્વિસે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી એનર્જી પ્રાઇસ કેપમાં 21 પાઉન્ડનો વધારો થશે. અમે સમજીએ છીએ કે એનર્જી બિલ ઘણા પરિવારો માટે પડકારજનક બની રહે છે. અમે ગ્રાહકોને બિલ ઘટાડવા માટે વિવિધ વિકલ્પો ચકાસવાની અપીલ કરીએ છીએ. માર્કેટમાં વિવિધ પ્રકારના ટેરિફ ઉપલબ્ધ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલતી અંધાધૂંધીના કારણે એનર્જી પ્રાઇસ બદલાતી રહેશે.
એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે એનર્જી પ્રાઇસ કેપમાં વધારા માટે દેશમાં ફોસિલ ફ્યુઅલ પર રખાતા આધારને જવાબદાર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાઇસ કેપમાં વધારો કોસ્ટ ઓફ લિવિંગ સામે ઝઝૂમી રહેલા પરિવારો માટે ચિંતાનો વિષય છે. જોકે સરકાર જનતાને મદદના તમામ પ્રયાસ કરશે.
એન્ડ ફ્યુઅલ પોવર્ટી કોએલિશનના કોઓર્ડિનેટક સાયમન ફ્રાન્સિસે જણાવ્યું હતું કે, કાતિલ શિયાળાના સમયગાળામાં પરિવારોએ ગરમી પ્રાપ્ત કરવા માટે વધુ નાણા ચૂકવવા પડશે. સ્થિતિને વધુ બદતર બનાવતાં સરકારે ગરીબ પરિવારોને અપાતી સહાય પણ બંધ કરી દીધી છે. સરકારે શિયાળા દરમિયાન ગરીબ પરિવારોને મદદ માટે વધુ પગલાં લેવાં જોઇએ.