લંડનઃ બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા યુકેના ડાયસ્પોરાએ તેમના પરિવારોને વિઝિટ વિઝાની આપોઆપ મંજૂરી માટે સરકારને અલગ વિઝા કેટેગરી ઉભી કરવાની માગણી સાથે નવી પિટિશન હાથ શરૂ કરી છે. વિઝિટર વિઝા માટે અન્ય અરજદારોને લાગૂ પડતા ધારાધોરણો યુકે નાગરિકોના પરિવારજનોને લાગૂ ન પડે તેવી માગ સાથેની આ પિટિશન પર ૪૨,૫૦૦ લોકો સહી કરી ચૂક્યા છે. તેમાં જણાવાયું છે કે તેમના પેરન્ટ્સ, ભાઈ બહેન, બાળકો અથવા પૌત્રો સિટિઝન ન હોય એટલે તેમના પરિવારનો હિસ્સો રહેતા નથી એમ માનવું ખોટુ છે. બ્રિટિશ સંબંધી તેમને સ્પોન્સર કરે તેવી જ એકમાત્ર જરૂરિયાત હોવી જોઈએ.
જાન્યુઆરી, ૨૦૧૮માં પિટિશન શરૂ કરનારી નીવા રેસ્ટારિકે જણાવ્યું હતું, ‘આપણે આપણા પરિવારને સહાય કરીએ તો અરજી નકારવાને કોઈ કારણ રહેતું નથી. મારી બહેન ચાર વખત આવી ગઈ છે. તે ક્યારેય વિઝાની મુદત કરતા વધારે રોકાઈ નથી કે તેણે ક્યાંય કામ પણ કર્યું નથી. પરંતુ, હવે તેને મારી માતા સાથે આવવા માટે વિઝાનો ઈન્કાર કરાયો છે. પરિવારજનો મુલાકાતે આવી ન શકતા હોવાથી ઘણાં પરિવાર નાખુશ છે.’
આ પિટિશન પર સહીની સંખ્યા ૧૦૦,૦૦૦ની ઉપર પહોંચશે તો પાર્લામેન્ટમાં તેના પર ચર્ચા હાથ ધરવી પડે. ૧૦,૦૦૦ કરતાં વધુ સહી થાય તો સરકારે પિટિશનરને વિધિસર જવાબ આપવો પડે.
મુલાકાતે આવતા પરિવારજનોને સુવિધા માટે ડાયસ્પોરા દ્વારા આવી માગણી પ્રથમ વખત કરાઈ હોય તેવું નથી. Brit Cits ફોરમ દ્વારા તેમના પેરન્ટ્સ યુકે આવીને તેમની સાથે રહે તેવા અધિકાર મેળવવા માટે લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવાઈ હતી. તેમાં કેટલાંક વ્યક્તિગત કિસ્સામાં સફળતા સાંપડી હતી પરંતુ, આ ઝુંબેશ દ્વારા મોટા સમુહને ન્યાય મળી શક્યો ન હતો.
હાલમાં બ્રિટિશ ભારતીયોના પરિવારને અન્ય વિઝિટર્સ માટે જરૂરી એવા ફાઈનાન્સિયલ પેપર્સ, બેંક સ્ટેટમેન્ટ્સ અને ભારત પાછા જવા અંગેના પૂરાવા સહિતના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડે છે.
આપ આ પિટિશન પર હસ્તાક્ષર કરવા ઈચ્છતા હો તો https://petition.parliament.uk/petitions/206568 જુઓ.