લંડનઃ સંસ્કૃતિ અને ભારતીય ધર્મોના નિષ્ણાત પ્રોફેસર જેમ્સ હેગાર્ટીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ જગત ભારતને કોઇ એક દ્રષ્ટિકોણમાં કેદ કરી શકે નહીં. પ્રોફેસર હેગાર્ટી કાર્ડિફ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ હિસ્ટ્રી, આર્કિયોલોજી એન્ડ રિલિજિયનના વડા છે. પ્રોફેસર હેગાર્ટીએ એક અખબારી મુલાકાતમાં ભારતીય ધર્મોના અભ્યાસ, શૈક્ષણિક રસ અને પોતે કેવી રીતે સંસ્કૃત અને હિન્દુ ધર્મ સાથે કેવી રીતે સંકળાયા અને કેવી રીતે પોતાની કારકિર્દી અને જીવનનું ઘડતર થયું તે અંકે વિસ્તૃત ચર્ચા કરી હતી.
હિન્દુ ધર્મના કયા પાત્રોની તમારા જીવન પર સૌથી વધુ અસર પડી છે તેવા સવાલના જવાબમાં પ્રોફેસર કહે છે કે ભગવાન કૃષ્ણ. માનવી અને ભગવાન તરીકેનું કૃષ્ણનું વર્ણન અદ્દભૂત છે. મેં ફક્ત શૈક્ષણિક દ્રષ્ટિએ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ વર્ષોના અભ્યાસ બાદ મારા પર ઘણો પ્રભાવ પડ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત દરમિયાન ભારતીય આધ્યાત્મિકતા સાથેના મારા સંપર્કમાં વધારો થયો હતો. મને ત્યાં અદ્દભૂત શાંતિનો અનુભવ થયો હતો. મેં પ્રારંભ કર્યો તેનાથી તદ્દન અલગ દ્રષ્ટિએ હવે હું હિન્દુ ધર્મ અને સંસ્કૃતને જોઉં છું.
પ્રોફેસર હેગાર્ટીએ માન્ચેસ્ટર યુનિવર્સિટી ખાતે રિલિજિયન્સ અને થિઓલોજીમાં એમએનો અભ્યાસ કર્યોહતો. ત્યારબાદ તેમણે સંસ્કૃતમાં પીએચડીની ઉપાધિ હાંસલ કરી હતી. તેઓ મહાભારતના ગાંધારીના પાત્રથી પણ ઘણા પ્રભાવિત છે.
પશ્ચિમના દેશો દ્વારા ભારતને કરાતા પક્ષપાત પર તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ જગત ભારતને આધ્યાત્મિક દેશ તરીકે જોતું આવ્યું છે. કેટલાક અંશે તે સાચું પણ છે પરંતુ ભારત તેના કરતાં પણ વધુ જટિલ દેશ છે. તમે તેને એક દ્રષ્ટિકોણ કે કેટેગરીમાં બાંધી શકો નહીં.