લંડનઃ જન્મ આપનારા માતાપિતાની ક્રુરતાના પરિણામે બંને પગ કાપી નાખવા પડ્યા છે તેવા પાંચ વર્ષના વિદ્યાર્થી ટોની હજેલે તેનું જીવન બચાવનારી NHS હોસ્પિટલ માટે ૪૪૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું દાન એકત્ર કર્યું છે. તેણે પ્રારંભે તો માત્ર ૫૦૦ પાઉન્ડ એકત્ર કરવાની આશા રાખી હતી પરંતુ, હવે દાનની રકમ ૪૪૦,૦૦૦ પાઉન્ડથી વધી જવાની ધારણા છે.
NHS ચેરિટીઝ માટે ૩૨ મિલિયન પાઉન્ડથી વધુ દાન એકત્ર કરનારા કેપ્ટન ટોમ મૂરને નિહાળી ટોનીને ૧૦ કિલોમીટર ચાલવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ટોની તેના નવા પ્રોસ્થેટિક પગ અને કાખઘોડીઓ સાથે જૂન મહિનામાં રોજ ચાલીને તેની ૧૦ કિલોમીટર ચાલવાની ચેલેન્જ પૂર્ણ કરશે. તેણે અત્યાર સુધીમાં ૫.૨ કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે.
ટોનીની ચેરિટી ઈવલિના લંડન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ છે અને ચેલ્સીના ફ્રાન્ક લેપાર્ડ સહિતના સમર્થકોના પ્રયાસથી તેણે પોતાના લક્ષ્યથી અનેકગણી રકમ એકત્ર કરી છે.
કેન્ટના કિંગ્સ હિલ ખાતે રહેતો ટોની ૨૦૧૪માં માત્ર ૪૧ દિવસનો હતો ત્યારે તેના જન્મદાતા માતાપિતાની ક્રુરતાના કારણે તેને ગંભીર ઈજા પહોંચતાં તેના બંને પગ કાપી નાખવાની ફરજ પડી હતી. તે બચી શકે તેવી પણ આશા ન હતી અને લાઈફ સપોર્ટ પર રખાયો હતો ત્યારે સાઉથ લંડનના લેમ્બેથની ઈવલિના ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી.
હજુ ગયા વર્ષે જ તેને પ્રોસ્થેટિક (બનાવટી) પગ લગાવાયા છે. ટોની ચાર મહિનાનો હતો ત્યારે પૌલા અને માર્ક હજેલે તેને દત્તક લીધો હતો. હોસ્પિટલમાં સારવાર પછી હજેલ દંપતી ટોનીને પોતાના પરિવારનો હિસ્સો બનાવવા ઘેર લઈ ગયા હતા.
તબીબોએ દંપતીને ચેતવણી આપી હતી કે ટોની ચાલવાનું તો બાજુએ રહ્યું, ઘૂટણભેર ઘસડાઈ પણ નહિ શકે. પરંતુ, ત્રણ મહિના અગાઉ જ લગાવેલા બનાવટી પગ અને કાખઘોડીના સહારે તેણે આટલું મોટું સાહસ કર્યું છે અને લોકોના દિલમાં વસી ગયો છે. તેની દત્તક માતા પૌલાએ જણાવ્યું હતું કે, ‘ટોનીએ કેપ્ટન મૂરને પોતાની ફ્રેમ સાથે બગીચામાં ચાલતા જોયા ત્યારે તેણે કહ્યું કે ‘હું પણ આ કરી શકું છું.’ આ પછી અમે આ ચેલેન્જ સ્થાપી તેનો જીવ બચાવનાર ઈવલિના હોસ્પિટલ માટે નાણા એકત્ર કરવા નિર્ણય લીધો હતો.’
પૌલા હજેલે ડિસેમ્બર ૨૦૧૯માં એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે,‘ શાળામાં બધી અપેક્ષા કરતાં પણ તે આગળ રહે છે અને આશ્ચર્યચકિત શિક્ષકો તેને ઘણો પ્રેમ કરે છે પરંતુ, બાળપણમાં કરાયેલા અત્યાચારે તેને હંમેશાં માટે વિકલાંગ બનાવી દીધો છે. તેને અતિશય પીડા રહે છે, જમણા કાને બધિર છે, તેનો નિતંબ કાયમી ઈજાગ્રસ્ત છે તેના કાંડામાં પમ તકલીફ છે. આ તમામ મુશ્કેલીઓ છતાં, તે સૌથી બહાદુર બાળક છે. હું તેને વહાલ કરું છું.’
પૌલા અને માર્ક હજેલના સઘન પ્રયાસોના પરિણામે ટોનીના જન્મદાતા પેરન્ટ જોડી સિમ્પ્સન અને ટોની સ્મિથને ૨૦૧૮માં ૧૦ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.