પાંચ વર્ષમાં ભારતીય મહાનગરોમાં બ્રિટિશ યુનિવર્સિટીઓના કેમ્પસ ખુલશે

ઓક્સફર્ડ-કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇન્દોર, જયપુર જેવા શહેરોમાં કેમ્પસ ખોલશે

Tuesday 01st October 2024 11:28 EDT
 
 

લંડનઃ  બ્રિટને ભારતમાં ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં મોટી પહેલ કરી છે. પાંચ વર્ષમાં ભારતીય મહાનગરો સહિત ટિયર-2 શહેરોમાં 24 બ્રિટિશ યુનિવર્સિટી પોતાના કેમ્પસ ખોલવા જઈ રહી છે. એના માટે જયપુર, ભોપાલ, પટણા, કાનપુર અને ઈન્દોર જેવાં શહેરોની પસંદગી કરી છે. ભારતમાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન સૌથી પહેલા પોતાનું કેમ્પસ ખોલવા જઈ રહી છે. એને ગત સપ્તાહે જ લાઇસન્સ મળ્યું છે.

ગુરુગ્રામમાં શરૂ થનારા કેમ્પસમાં આગામી શૈક્ષણિક સત્રથી એડમિશન મળવાનું શરૂ થઈ જશે. અનેક યુનિવર્સિટી આવતા મહિના સુધી પોતાના કેમ્પસની જાહેરાત કરવાની છે. સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના વાઇસ-પ્રેસિડન્ટ એન્ડ્ય0ુ એથર્ટને જણાવ્યું હતું કે બ્રિટિશ યુનિવર્સિટી ભારતના હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માગે છે.

તેમણે જણાવ્યું હતું કે ફેકલ્ટીની પસંદગી ભારતમાંથી પણ કરવામાં આવશે, જેનાથી સ્ટુડન્ટ્સને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી પણ ભણાવી શકાશે, પરંતુ મૂળ ફેકલ્ટીને બ્રિટ0નના મુખ્ય કેમ્પસથી જ બોલાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા પ્રોફેસરોને ભારતમાં ભણાવવા માટે પ્રાથમિકતા અપાશે.

ભારતીય વિદ્યાર્થીઓને અડધા ખર્ચમાં બ્રિટિશ યુનિ.ની ડિગ્રી મળશે

ભારતમાં કેમ્પસવાળી બ્રિટિશ યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને લગભગ અડધા ખર્ચમાં ડિગ્રી મળશે. સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના પ્રેસિડન્ટ માર્ક સ્મિથે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં બ્રિટનમાં એક વર્ષનો અભ્યાસ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 25થી 30 લાખ રૂપિયામાં પડે છે. ભારતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓને લગભગ 15 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ ભારતની કોઈપણ પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી જેટલી છે. પહેલા વર્ષમાં પીજીના ચાર કોર્સ અને યુજી લેવલના બે કોર્સ શરૂ કરવામાં આવશે. પહેલા વર્ષમાં લગભગ 10 હજાર ભારતીય વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ભારતના કેમ્પસ દક્ષિણ એશિયા સેન્ટર કહેવાશે

એક લાખ વિદ્યાર્થીનું લક્ષ્ય બ્રિટિશ યુનિવર્સિટીના ભારતમાં શરૂ થનારા કેમ્પસ દક્ષિણ એશિયા સેન્ટર તરીકે ઓળખાશે. બ્રિટિશ યુનિવર્સિટી એસોસિયેશનના સચિવ ટોની રીડ અનુસાર, 2026માં બીજા વર્ષથી એક લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું લક્ષ્ય છે. દક્ષિણ એશિયાના અન્ય દેશોમાંથી પણ વિદ્યાર્થીઓને ભારતમાં શરૂ થનારા બ્રિટિશ કેમ્પસમાં એડમિશન અપાશે. ભારતમાં દરેક બ્રિટિશ યુનિવર્સિટી નવા સત્રથી કોર્સની સંખ્યા વધારશે. ભારતમાં હાલ બ્રિટિશ યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સમાં લગભગ 15 હજાર વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter