લંડનઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મુહમ્મદ આસિફને લંડનમાં ટ્રેનમાં પ્રવાસ દરમિયાન કોઇ વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ખ્વાજા મુહમ્મદ આસિફે પાકિસ્તાની અખબારોને જણાવ્યું હતું કે, તેઓ 11 નવેમ્બરના રોજ બપોરે સાડા 3 કલાકે એલિઝાબેથ લાઇન ટ્રેનમાં મિત્ર સાથે રિડીંગ જઇ રહ્યા હતા ત્યારે હિથ્રો એરપોર્ટ નજીક એક વ્યક્તિએ તેમને હેરાન કર્યા હતા અને ચાકૂ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
75 વર્ષીય આસિફ લંડનમાં પાકિસ્તાનની રાજકીય પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના સભ્યોની મુલાકાતે આવ્યા હતા. તેમણે પાકિસ્તાન હાઇ કમિશન ખાતે બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસના અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમને આ ઘટનાની માહિતી આપી સીસીટીવી ફૂટેજ ચકાસવા જણાવ્યું હતું. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવી હતી.