લંડનઃ ડ્રાઇવર એન્ડ વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા યુકેના વાહનચાલકોને તાકિદની ચેતવણી જારી કરાઇ છે. એજન્સીએ જણાવ્યું છે કે ફ્રોડ આચરનારા લોકો વાહનચાલકોને સરકારી વિભાગોના નામે પાર્કિંગ દંડના મેસેજ કરીને નાણા પડાવી રહ્યાં છે. સ્કેમ કરનારા અપરાધીઓ વાહનચાલકોને પાર્કિંગ પેનલ્ટી ચાર્જના નામે ટેક્સ્ટ મેસેજ મોકલે છે. તેની સાથે નાણા ચૂકવવા માટેની લિન્ક પણ આપવામાં આવે છે.
સ્કેમસ્ટર્સ દ્વારા એવી પણ ધમકી આપવામાં આવી રહી છે કે વાહનચાલક નિશ્ચિત સમયમર્યાદામાં પેનલ્ટીની ચૂકવણી નહીં કરે તો તેના પર ડ્રાઇવિંગ પ્રતિબંધ, વધારાની પેનલ્ટી અને કોર્ટ કેસ પણ થઇ શકે છે.
એજન્સીએ જણાવ્યું હતું કે, અમે પાર્કિંગ માટેનો દંડ વસૂલતા નથી તેથી આ પ્રકારના ટેક્સ્ટ મેસેજ મોકલવાનો સવાલ જ ઊભો થતો નથી. આ પ્રકારના ટેક્સ્ટ મેસેજમાં સ્પેલિંગ અને ગ્રામરની પણ ભૂલો રહેલી હોય છે. તે ઉપરાંત આ પ્રકારના મેસેજ પર્સનલ નંબર પરથી મોકલવામાં આવે છે. એજન્સીએ જણાવ્યું છે કે આ પ્રકારના શંકાસ્પદ મેસેજ મેળવનારાઓએ નેશનલ સાઇબર સિક્યુરિટી સેન્ટરને જાણ કરવી.
આરએસીના પ્રવક્તા રોડ ડેનિસે જણાવ્યું હતું કે, આ પ્રકારના મેસેજ સાઇબર સ્કેમનો નવો પ્રકાર છે. જે વાહનચાલકોને લક્ષ્યાંક બનાવે છે.