પાર્ટીગેટ કૌભાંડમાં 20ને પેનલ્ટી નોટિસ

Wednesday 30th March 2022 02:38 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડ યાર્ડે પાર્ટીગેટ કૌભાંડના ઈવેન્ટ્સમાં હાજર રહેનારા લોકોને ફિક્સ્ડ પેનલ્ટીની પ્રથમ 20 નોટિસ જારી કરી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન, કેરી જ્હોન્સન, ચાન્સેલર રિશિ સુનાક અને સિવિલ સર્વિસ વડા સિમોન કેસ ચિંતા સાથે પોતાના નામની રાહ જોઈ રહ્યા છે. જોકે, 12માંથી 6 પાર્ટી ઈવેન્ટમાં હાજરી આપનારા વડા પ્રધાન હજુ પણ લોકડાઉનના નિયમોનો ભંગ થયો હોવાનું સ્વીકારવા તૈયાર નથી. કદાચ કેટલાક નામ કદી જાહેર નહિ કરાય તેમ પણ મનાય છે. ગત સપ્તાહે ડિટેક્ટિવોએ ચાવીરૂપ સાક્ષીઓની મુલાકાત-પૂછપરછ શરૂ કરી દીધી હતી.

લોકડાઉનના નિયમોના ભંગ બદલ જે 20 લોકોને ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ (FPN) જારી કરાઈ છે તે પ્રથમ ગ્રૂપમાં વડા પ્રધાન જ્હોન્સનનું નામ હોવાનું મનાતું નથી. જોકે, પોલીસે જણાવ્યું હતું કે વ્યક્તિઓના નામ તે તેમણે કઈ પાર્ટીમાં હાજરી આપી હતી તે જાહેર નહિ કરાય. FPNs સ્પષ્ટ કેસ છે જેમાં લોકોએ તેમની સામેના આક્ષેપ નકાર્યા નથી. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટે કાયદાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયું છે તે બાબતે કશું કહેવાનું નકારી પાંગળો બચાવ કર્યો હતો કે વડા પ્રધાને પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી નથી. વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું છે કે પોલીસ તપાસ પૂર્ણ થયા પછી વડા પ્રધાન હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દે વધુ કહેશે. જોકે, આમાં સપ્તાહો અથવા મહિનાઓ લાગી શકે છે કારણકે મેટ્રોપોલીટન પોલીસે હજુ ઘણી સામગ્રી તપાસવાની બાકી છે.

સામાન્યપણે લોકડાઉનના ભંગ બદલ100 પાઉન્ડની પેનલ્ટી થતી હોય છે. જેમણે પેનલ્ટી નોટિસ મળી છે તેઓ નોટિસનું તારણ સ્વીકારી કે નકારી શકે છે. જો તેઓ પેનલ્ટી ચૂકવી દેશે તો તેમના મવિરુદ્ધ આગળ કાર્યવાહી નહિ કરાય. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે જ્હોન્સનને પેનલ્ટી કરાશે તો તેની જાહેરાત કરાશે પરંતુ, તેઓ પ્રથમ ગ્રૂપમાં છે કે કેમ તે હજુ જાહેર થયું નથી. પોલીસ 12 પાર્ટી ઈવેન્ટ્સની તપાસ કરી રહી છે તેમાંથી 6 ઈવેન્ટમાં બોરિસ જ્હોન્સન હાજર હોવાનું મનાય છે. જ્હોન્સની બર્થડે પાર્ટીનું આયોજન કેરી જ્હોન્સને કર્યું હતું જેમાં ચાન્સેલર રિશિ સુનાક પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter