લંડનઃ યુકેની સુપ્રીમ કોર્ટના ન્યાયમુર્તિઓએ મંગળવારે ૮ વિરુદ્ધ ૩ મતે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું છે કે વડા પ્રધાન પાર્લામેન્ટમાં કાયદો પસાર કર્યા વિના આર્ટિકલ-૫૦ હેઠળ બ્રેક્ઝિટ કાર્યવાહી આરંભી શકે નહિ. વડા પ્રધાન થેરેસા મે માટે આ મોટો પરાજય હોવાં છતાં એક બાબતે આશ્વાસન લઈ શકે છે કે સુપ્રીમ કોર્ટે બ્રેક્ઝિટ સમજૂતી પર વીટો લગાવવા સ્કોટિશ સરકારની માગણી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટના ચુકાદાને સમર્થન આપતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ સ્પષ્ટ કર્યું હતું કે ઈયુ છોડવાની સત્તાવાર પ્રક્રિયા આરંભવા વડા પ્રધાન એક્ઝિક્યુટિવ પાવર્સનો ઉપયોગ કરી શકે નહિ. થેરેસા સરકાર માર્ચના અંત સુધીમાં બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા મક્કમ છે. રીમેઈન છાવણીને ટેકો આપતા સાંસદો અને લોર્ડ્સને સુધારાઓ મૂકવા પૂરતો સમય ન મળે તે માટે સરકાર ટુંકુ બિલ લાવશે.
લેબર નેતા જેરેમી કોર્બીને કહ્યું છે કે તેમનો પક્ષ આર્ટિકલ-૫૦ની કાર્યવાહીને અવરોધશે નહિ. જોકે, સિંગલ માર્કેટની સુવિધા મેળવવા ખરડાને સુધારતી જોગવાઈઓ અવશ્ય મૂકશે. આ સુધારાની માગણી એવી હશે કે વડા પ્રધાન થેરેસાની બ્રેક્ઝિટ સ્પીચથી પણ વધુ સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન સરકારે જાહેર કરવો પડશે. રીમેઈન કેમ્પેઈનર અને પૂર્વ મોડેલ જિના મિલરે વડા પ્રધાનની સત્તાના મુદ્દે હાઈ કોર્ટમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. સરકારે હાઈ કોર્ટના રુલિંગ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ, તેમાં તેનો પરાજય થયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી હવે શું?
સુપ્રીમ કોર્ટે બ્રેક્ઝિટના આરંભ અંગે હાઈ કોર્ટે આપેલા ચુકાદાનું સમર્થન જ કર્યું છે. વડા પ્રધાન બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભે તે પહેલા તેમણે સાંસદો સાથે સલાહમસલતો કરવી પડશે. આર્ટિકલ-૫૦ હેઠળની કાર્યવાહી અપરિવર્તનીય છે, જેનાથી ઈયુના સભ્યપદના કારણે યુકેના નાગરિકોને પ્રાપ્ત અધિકારો ગુમાવવા પડશે. આથી, મિનિસ્ટરોએ કાર્યવાહીના અમલ માટે પાર્લામેન્ટમાં કાયદો પસાર કરાવવો પડશે. આવો કાયદો ત્રણ કે ચાર લાઈન ધરાવતી જોગવાઈ પણ હોઈ શકે છે. સરકાર આ બિલને બુધવારે રજૂ કરી શકે અને બનતી ત્વરાએ કોમન્સ અને લોર્ડ્સમાં પસાર કરાવી શકે છે. આના માટે થોડાં દિવસ કે સપ્તાહ પણ લાગી શકે છે. જોકે, બિલને સુધારવાના વિરોધીઓના પ્રયાસોથી ખરડો વિલંબમાં પડી શકે અને પ્રયાસો સફળ થાય તો તેમાં એવી શરતો મૂકી શકાય કે જેના થકી ઈયુ સાથેની મંત્રણાઓ દરમિયાન થેરેસા મેના હાથ બંધાયેલાં જ રહે.
ભારત સહિતના દેશો સાથે યુકેની વેપારી મંત્રણા શરૂ
બ્રેક્ઝિટ બ્રિટનની ભાવિ સમૃદ્ધની ચાવી હોવાનું ગણાવતા ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લીઆમ ફોક્સે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટને બ્રેક્ઝિટ પછી વેપારી સોદાઓ માટે ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, સાઉદી અરેબિયા, ઓમાન સહિત ૧૨ દેશો સાથે વેપારી મંત્રણાઓ આરંભી દીધી છે. ઈયુ નેતાઓએ બ્રિટન બ્રેક્ઝિટ વાટાઘાટો પૂર્ણ થયા પહેલા અન્ય દેશો સાથે વેપારી મંત્રણા કરી ન શકે તેવા પ્રયાસ કર્યા હતા.
જોકે, વિશ્વના દેશો સાથે મુક્ત વેપારની સમજૂતીઓ કરવા બ્રિટન હિંમતપૂર્ણ અને મહત્ત્વાકાંક્ષી બની રહેશે તેવી જાહેરાત વડા પ્રધાન થેરેસા મેએ કરી છે. ડો. ફોક્સે જણાવ્યું હતું કે આપણે ૨૦૧૯માં ઈયુ છોડીએ ત્યારે ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ જેવા દેશો સાથે નવી વ્યવસ્થા વિકસાવવા માગીએ છીએ. પારસ્પરિક લાભ માટે વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ મુદ્દે અવરોધો કેવી રીતે દૂર કરી શકાય તે માટે અનેક દેશો સાથે ટ્રેડ ઓડિટ્સ હાથ ધરાઈ રહ્યા છે.
ઈયુ રાજદૂતોએ થેરેસાની ધમકી ફગાવી
યુરોપિયન રાજદૂતોએ બ્રેક્ઝિટ માટે બ્રિટનને દંડિત કરવાનો કોઈ પણ પ્રયાસ ઈયુને જ નુકસાન કરનારો બની રહેશે તેવી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની ધમકીને ફગાવી છે. રાજદૂતોએ થેરેસાની ચેતવણીને ‘બિનજરૂરી અને મદદ નહિ કરનારી ધમકીઓ’ ગણાવી હતી. પોતાની યોજનાને સ્પષ્ટ સ્વરૂપ આપવા સંબંધે મેના સંબોધનને આવકારવા સાથે એક રાજદૂતે જણાવ્યું હતું કે વડા પ્રધાનને જે પ્રકારનો આશાવાદ જોઈએ છે તે આવી ધમકીરૂપ ટીપ્પણીઓથી નહિ મળે. તમે વાટાઘાટો આરંભો અને ૨૭ ઈયુ દેશો દંડનો અભિગમ દર્શાવે ત્યારે આવી ધમકી ઉચ્ચારો તે સમજી શકાય પરંતુ, આ તે માટેનો સમય નથી. બ્રસેલ્સ સારી સમજૂતી આપી શકે નહિ તો બ્રિટન ઓછાં અંકુશો સાથેનું ટેક્સ હેવન બની શકે તેવા થેરેસાના સૂચન અંગે પણ નારાજગી પ્રવર્તે છે.
બ્રેક્ઝિટની શરતઃ £૬૦ બિલિયનનું બિલ
ઈયુ સાથે ભાવિ વેપાર સમજૂતીની વાટાઘાટો શરૂ કરાય તે અગાઉ બ્રિટને ૬૦ બિલિયન પાઉન્ડના બિલ સહિત ઈયુ સાથે વિચ્છેદની શરતો પર હસ્તાક્ષર કરવા પડશે તેમ વડા પ્રધાન થેરેસા મેને ઈયુના થનારા અધ્યક્ષ અને માલ્ટાના વડા પ્રધાન જોસેફ મસ્કટે જણાવ્યું છે. બ્રિટન માર્ચ મહિનામાં આર્ટિકલ-૫૦ અન્વયે ઈયુમાંથી બહાર જવાની પ્રક્રિયા આરંભે તે પછી આ શરતોને પ્રાધાન્ય અપાશે અને તે પછી જ વેપારની વાત આગળ વધી શકે. તેમણે કહ્યું હતું કે,‘અમે યુનાઈટેડ કિંગ્ડમ સાથે વાજબી સોદાબાજી કરવા માગીએ છીએ પરંતુ, આ સોદો સભ્યપદ કરતા નબળો હોય તે અનિવાર્ય છે. ઈયુના બાકી રહેલા ૨૭ દેશના નેતાઓ સંબંધ વિચ્છેદની શરતો સ્થાપિત કરવા માટે મળશે.’
બેન્કોએ ૨૦૦૦ નોકરી ગુમાવાની ચેતવણી આપી
HCFC અને ટોયોટાએ વડા પ્રધાનના ગ્લોબલ બ્રિટનના વિઝનને મોટો ફટકો આપતા તેમની લંડન સિટીની નોકરીઓ વિદેશ ખસેડવાની ચેતવણી આપી હતી. થેરેસા મેએ ઈયુ છોડવાની રણનીતિ સ્થાપિત કરતું સંબોધન કર્યું તેના પ્રતિભાવમાં યુકેની સૌથી મોટી બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ ગુલિવરે ચેતવણી આપી હતી કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગની ૧,૦૦૦ નોકરીઓ પેરિસ લઈ જવાશે. સ્વિસ બેન્ક UBS દ્વારા પણ કહેવાયું છે કે તેમની લંડન સિટીની ૫,૦૦૦ નોકરીમાંથી ૧,૦૦૦ નોકરીને અસર થશે. બીજી તરફ, બ્રેક્ઝિટ પછી સ્પર્ધાત્મકતાને અસર નહિ થાય તેવી ખાતરી ગયા વર્ષે નિસ્સાનને અપાઈ હતી તેવી ખાતરી અપાયા પછી ૩,૦૦૦થી વધુ લોકોને નોકરી આપનારી ટોયોટાએ પણ સરકાર સાથે ચર્ચા આરંભી છે. યુકે સિંગલ માર્કેટની બહાર હોય તેવી સ્થિતિમાં અસ્તિત્વ કેવી રીતે જાળવવું તેની વિચારણા ટોયોટોએ આરંભી છે.
યુકેની સરહદો પર અરાજકતાની ચેતવણી
ઈયુ દ્વારા જો ખરાબ સોદો અપાશે તો વેપાર મંત્રણામાંથી ખસી જવાની થેરેસા મેએ આપેલી ધમકી સંદર્ભે યુકેની સરહદો પર અરાજકતા વ્યાપી જશે તેવી ચેતવણી અપાઈ છે. બ્રિટને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે નવી વેપાર સમજૂતી કરવાની બાકી છે, જેનાથી યુરોપ અને બાકીના વિશ્વ સાથે યુકેના વેપારી સંબંધો નિર્ધારિત થશે. આ સંજોગોમાં ઈયુ સાથે મંત્રણાનો ત્યાગ કરવામાં આવે તો પોર્ટ્સ પર કસ્ટમ સત્તાવાળા સાથે વ્યવહારના સ્પષ્ટ નિયમોના અભાવે કાનૂની અસમંજસ સર્જાશે. યુએસ વેપાર નિષ્ણાતે જણાવ્યું હતું કે બ્રિટને બ્રેક્ઝિટ અગાઉ WTO નિયમો અંગે વાતચીત પૂર્ણ કરી લેવી પડશે.
જજમેન્ટ વિશે પ્રતિક્રિયા
• વડા પ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘બ્રિટિશ પ્રજાએ ઈયુ છોડવાનું મતદાન કર્યું હતું અને સરકાર માર્ચના અંત સુધીમાં યોજના મુજબ આર્ટિકલ ૫૦ના આરંભ સાથે તેમના ચુકાદાને માન આપશે. આજના ચુકાદાથી તેમાં કોઈ ફેરફાર આવતો નથી. એ યાદ રાખવું જોઈએ કે પાર્લામેન્ટે ૬ વિરુદ્ધ ૧ના માર્જિનથી રેફરન્ડમને સમર્થન આપ્યું છે અને સરકાર દ્વારા નિર્ધારિત બ્રેક્ઝિટ પ્રક્રિયાના ટાઇમટેબલને પણ સપોર્ટ જાહેર કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સન્માન આપીએ છીએ અને ટૂંક સમયમાં પાર્લામેન્ટ સમક્ષ અમારા પગલાં મૂકીશું.’
• લોર્ડ ડોલર પોપટે સુપ્રીમ કોર્ટના ચુકાદા સંબંધે જણાવ્યું હતું કે ‘આજનો ચુકાદો પાર્લામેન્ટના સાર્વભૌમત્વનું સમર્થન કરે છે. વડા પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ફાઇનલ પેકેજ પર મતદાન સહિત બ્રેક્ઝિટ પ્રક્રિયામાં પાર્લામેન્ટની ભૂમિકા મોટી રહેશે. હું આ ભૂમિકાને આવકારું છું. હવે ગત વર્ષના રેફરન્ડમનું પરિણામ અને બ્રિટનને સફળ બનાવવાની બાબત મહત્ત્વની છે. થેરેસા મેના સંબોધનમાં આપણે મુક્ત વેપાર, ખુલ્લા અને સહિષ્ણુ રાષ્ટ્ર તરીકે કેવી રીતે આગળ વધી શકીએ તેનું સુંદર વિઝન આપ્યું છે. આપણે યુરોપિયન યુનિયનને છોડી રહ્યાં છીએ, યુરોપને નહીં. આપણે આપણા પડોશીઓના ગાઢ સાથી બની રહીશું. પરંતુ સાથોસાથ વિશ્વ અને તેના દ્વારા અપાતી વ્યાપક તકોને પણ આપણે ગળે લગાવવી જોઈએ.