લંડનઃ ઓનલાઇન શોપિંગના વધી રહેલા ચલણ મધ્યે ઘર બહાર ડિલિવર કરાતા પાર્સલની ચોરી પણ વકરી રહી છે. છેલ્લા એક વર્ષમાં યુકેમાં 370 મિલિયન પાઉન્ડના પાર્સલ ચોરાઇ ગયાં હતાં. ટેકનોલોજી કંપની ક્વાડિયન્ટના જણાવ્યા અનુસાર છેલ્લા 12 મહિનામાં 3 મિલિયન પરિવાર એવાં હતાં કે જેમનું ઓછામાં ઓછું એક પાર્સલ ચોરાયું હોય.
ચોરી કરાયેલા પાર્સલના સરેરાશ મૂલ્યમાં પણ 52 ટકાનો વધારો નોંધાયો હતો. 2023માં ચોરાયેલા પાર્સલનું સરેરાશ મૂલ્ય 66.50 પાઉન્ડ હતું જે આ વર્ષે વધીને 102 પાઉન્ડ પર પહોંચી ગયું છે.
આમ તો ગ્રાહક કાયદા અનુસાર પાર્સલની યોગ્ય વ્યક્તિને ડિલિવરી કરાઇ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વેચાણકર્તાની છે. જો તમારું પાર્સલ ચોરાયું હોય તો તમે કંપની અથવા વ્યક્તિનો સંપર્ક કરી શકો છો. રિટેલરે ગ્રાહકને રિફંડ અથવા તો રિપ્લેસમેન્ટ આપવું ફરજિયાત છે. નુકસાન થયેલા પાર્સલ માટે પણ આ પ્રકારની જોગવાઇ છે. જો પાર્સલ કુરિયર સેવા દ્વારા ડિલિવર કરાયું હોય તો ગ્રાહક તેનો સંપર્ક કરી શકે છે.
જોકે ગ્રાહકે જણાવેલ સેફ પ્લેસ પર પાર્સલની ડિલિવરી કરાઇ હોય તો તેની જવાબદારી ગ્રાહકની રહે છે. પરંતુ ગ્રાહક સહમત ન હોય તેવા સ્થળે પાર્સલની ડિલિવરી કરાઇ હોય તો તેની જવાબદારી રિટેલરની રહે છે.