લંડનઃ ભારતના પાસપોર્ટ વિભાગની નિષ્ક્રિયતાને પડકારતી યુકે સ્થિત ભારતીય નાગરિક વિરેન્દ્રકુમાર પટેલ દ્વારા દાખલ કરાયેલી પીટિશન પર ગુજરાત હાઇકોર્ટે લંડન સ્થિત ભારતીય હાઇ કમિશ્નરના પાસપોર્ટ વિભાગને નોટિસ પાઠવી છે. પટેલે પાસપોર્ટ સેક્શન પર તેમની સામે ભારતમાં કથિત કોર્ટ કાર્યવાહીને લગતી માહિતી છૂપાવવાના આધાર પર તેમના ભારતીય પાસપોર્ટને રિન્યૂ કરવાની કામગીરી સ્થગિત કરી હોવાનો આરોપ મૂક્યો છે.
અખબારી અહેવાલો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી પીટિશનમાં પટેલે જણાવ્યું હતું કે, મારા પાસપોર્ટને રિન્યૂ કરવાની કામગીરી 2022માં જ સ્થગિત કરી દેવાઇ હતી. વિરેન્દ્રકુમાર પટેલ છેલ્લા 20 વર્ષથી લંડનમાં વસવાટ કરે છે અને તેમનો અસલ પાસપોર્ટ 2020માં એક્સપાયર થઇ ગયો હતો. તેથી તેમણે પાસપોર્ટ રિન્યૂ કરવા માટે ભારત હાઇ કમિશનના પાસપોર્ટ સેક્શનમાં અરજી આપી હતી પરંતુ તેમને ફેબ્રુઆરી 2022 સુધીનો જ પાસપોર્ટ રિન્યૂ કરી અપાયો હતો.
તેથી પાસપોર્ટ એક્સપાયર થાય તે પહેલાં પટેલે રિન્યુઅલ અરજી અને જરૂરી ફી જમા કરાવી હતી પરંતુ પટેલને તેમના કોર્ટ કેસ અંગે માહિતી આપવા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પટેલે જણાવ્યું હતું કે, 2020માં મને કોઇપણ પૂછપરછ વિના પાસપોર્ટ રિન્યૂ કરી અપાયો હતો પરંતુ હવે વાંધા કાઢવામાં આવી રહ્યાં છે. હું ભારતમાં મારા પરિવારજનોની મુલાકાત લેવા ઇચ્છું છું.