લંડન: ભારત પર 200 વર્ષ કરતાં વધુ સમય રાજ કરનાર બ્રિટનમાં હવે ભારતીય મૂળની વ્યક્તિ પીએમ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. બોરિસ જ્હોનસનના રાજીનામા બાદ ટોરી પાર્ટીના નેતાની પસંદગીની રેસમાં ભારતીય મૂળના રિશી સુનાકે મોટી લીડ હાંસલ કરી લીધી છે. મંગળવારે ટોરી પાર્ટી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર બોરિસ જ્હોન્સનનું સ્થાન મેળવવા માટે રિશી સુનાક સહિત આઠ દાવેદારો વચ્ચે સ્પર્ધા થશે. હવે સ્પર્ધામાં આઠ ઉમેદવાર એટલે કે સૌથી વધુ મત સાથે પૂર્વ ચાન્સેલર રિશિ સુનાક અને તેમના પછી ટ્રેડ મિનિસ્ટર પેની ડોરમોઉન્ટ, ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન, ટોમ ટુગાન્ધાટ, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ આવે છે.
આ ઉપરાંત, પૂર્વ ઈક્વલિટિઝ મિનિસ્ટર કેમી બેડનોક, પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ, ચાન્સેલર નધિમ ઝાહાવી અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન પણ આવશ્યક 20 મત મેળવી શક્યાં છે. 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું હતું કે, પહેલા રાઉન્ડમાં આઠ સાંસદો આવશ્યક એવા 20-20 સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરી શક્યા છે. બુધવારે પહેલા રાઉન્ડની મતગણતરીમાં ઓછામાં ઓછા 30 સાંસદોનું સમર્થન હાંસલ કરનાર દાવેદાર જ સ્પર્ધામાં ટકી શકશે.
રિશિ સુનાક બૂકીઝ માટે પણ ફેવરિટ છે અને 44 સાંસદોનું સમર્થન ધરાવે છે. સુનાકને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડોમિનિક રાબ અને સ્પર્ધા છોડનારા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સનું સમર્થન પ્રાપ્ત થયું છે.
ઉમેદવારીના સમર્થનનો નિયમ બદલાયો
ટોરી પાર્ટીના નેતાપદ માટે ઉમેદવારી કરવા માટે બુધવારના પ્રથમ રાઉન્ડમાં 20 મત એટલે કે સાંસદનું સમર્થન મેળવવું પડશે. આ પછી ગુરુવારે બીજા રાઉન્ડનું મતદાન થશે જેમાં ઉમેદવારે 30 મત મેળવવાના રહેશે. આગામી સપ્તાહની શરૂઆતમાં અથવા તો સોમવારે આખરી બે ઉમેદવારના નામ જાહેર થઈ જવાની મજબૂત શક્યતા છે. મોટા ભાગના ટોરી સાંસદોના માનવા અનુસાર બે ફાઈનલ ઉમેદવારમાં એક તો રિશિ સુનાક હશે.
ConservativeHome વેબસાઈટના સર્વે મુજબ સુનાક આખરી બે નામમાં આવશે પરંતુ, તેમણે નીચાં ટેક્સીસની હિમાયત કરનારા ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસનો સામનો કરવો પડશે. આ સર્વેમાં એમ પણ જણાયું છે કે પાર્ટીના સભ્યોમાં ટ્રેડ મિનિસ્ટર પેની ડોરમોઉન્ટ અને પૂર્વ ઈક્વલિટિઝ મિનિસ્ટર કેમી બેડનોની લોકપ્રિયતા સુનાક કરતાં વધુ છે અને તેમાં લિઝ ટ્રસ ચોથા સ્થાને આવે છે.
પીએમ પદની રેસના મુખ્ય 8 દાવેદાર
1.રિશી સુનાક 2.પેની મોરડોઉન્ટ 3.સુએલા બ્રેવરમેન 4.ટોમ ટુગેન્ધાટ 5.જેરેમી હન્ટ 6.કેમી બેડનોક 7.લિઝ ટ્રસ 8.નધિમ ઝહાવી
પ્રીતિ પટેલ રેસમાં ન જોડાયા, સાજિદ જાવિદ આઉટ
આ અગાઉ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પીએમ પદની દાવેદારી નોંધાવવાનો ઇનકાર કરી દીધો હતો. રિશી સુનાકની સાથે જ્હોન્સન સામેના બળવામાં જોડાનારા પૂર્વ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ દાવેદારી માટે જરૂરી 20 સપોર્ટર ન મળી શક્તાં રેસમાંથી બહાર થઇ ગયાં છે. મંગળવારે સાંજે 6 કલાકની ડેડલાઇન નજીક આવતા સુધીમાં રેહમાન ચિશ્તીએ પણ સમર્થન હાંસલ ન થતા દાવેદારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
ટોરી સરવેમાં લિઝ ટ્રસ અને મોરડોઉન્ટનું પલડું ભારે
ટોરી સાંસદો મધ્યે કરાયેલા એક સરવે અનુસાર પીએમ પદની રેસમાં લિઝ ટ્રસ અને પેની મોરડોઉન્ટનું પલડું ભારે છે. રિશી સુનાક માટે ચેતવણીસમાન આ સરવે અનુસાર તેમને આ બે મહિલા દાવેદારો પરાજિત કરી શકે છે. સરવેમાં રિશી સુનાકને 31 ટકા જ્યારે મોરડોઉન્ટને 58 ટકા મત મળ્યા હતા જ્યારે ટ્રસની સામે સુનાકને 34 જ્યારે ટ્રસને 51 ટકા મત હાંસલ થયાં હતાં.