પીડાથી ઉંઘ હરામ થઈ ગઈ હશે તો જ NHS તમારી હિપ સર્જરી કરશે

Tuesday 31st January 2017 12:09 EST
 
 

લંડનઃ યુકેના હેલ્થ મેનેજર્સે લાખો પાઉન્ડ બચાવવા માટે હિપ અને ની સર્જરી માટે નવી પીડામર્યાદા પરીક્ષણો ફરજિયાત બનાવવા નિર્ણય કર્યો છે. જેઓ અતિ સ્થૂળ તેમજ ચાલવાફરવા માટે સક્ષમ હોય તેવા પેશન્ટ્સને ઘૂંટણ બદલવાની સર્જરીનો ઈનકાર કરવામાં આવશે. જે પેશન્ટ્સ પીડાના કારણે રાત્રે ઉંઘી ન શકતા હોય તેમને જ આવી સર્જરી કરી અપાશે. કેટલાક હેલ્થ ટ્રસ્ટ્સનું માનવું છે કે આવા ફેરફારથી તેઓ વાર્ષિક બે મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. રોયલ કોલેજ ઓફ સર્જન્સના અંદાજ અનુસાર ઈંગ્લેન્ડમાં ૧૦માંથી ચાર હેલ્થ ટ્રસ્ટ જે પેશન્ટ્સને ઓછી પીડા હોય કે ભારે સ્થૂળ હોય તેમને ઓપરેશનનો ઈનકાર કરી રહ્યાં છે.

સાઉથ વર્સેસ્ટરશાયરના રેડિચ એન્ડ બ્રોમ્સગ્રોવ તેમજ વેસ્ટ મિડલેન્ડ્સના ત્રણ સ્થાનિક હેલ્થ ટ્રસ્ટ્સ- Wyre Forest Clinical Commissioning Groups દ્વારા સંયુક્તપણે દરખાસ્તો ઘડવામાં આવી છે કે જો પેશન્ટને એટલી તીવ્ર પીડા સહન કરવી હોય કે તેનાથી દૈનિક જીવન અથવા ઉંઘવાની ક્ષમતા પર ભારે અસર થતી હોય તેમને જ તેમના જીપી અથવા હોસ્પિટલના ડોક્ટર્સ ઓપરેશન માટે ભલામણ કરી શકશે. જોકે, એમ કહેવાય છે કે હેરોગેટ અને ડિસ્ટ્રિક્ટ, વેલ ઓફ યોર્ક, સાઉથ કોસ્ટ કેન્ટ અને શ્રોપશાયર ક્લિનિકલ કમિશનિંગ ગ્રૂપ્સ સહિત ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં પણ હેલ્થ મેનેજર્સે આવી નીતિઓ ગૂપચૂપ અમલી બનાવી છે.

દર વર્ષે આશરે ૧૦૦,૦૦૦ પેશન્ટ NHS મારફત હિપ તેમજ ઘૂંટણ બદલવાના ઓપરેશન કરાવે છે. ઓપરેશનનો ખર્ચ ૫,૦૦૦ પાઉન્ડ આવે છે. બહુમતી દર્દીઓ તીવ્ર આર્થ્રાઈટિસ અથવા સાંધાના ફ્રેક્ચરથી પીડાય છે અને દૈનિક જીવનના કાર્યોમાં ભારે મુશ્કેલી અનુભવે છે. ઓપરેશન કરાવવું હોય તો ડોક્ટર ઓક્સફર્ડ પોઈન્ટ સિસ્ટમ નામે ઓળખાતી પ્રશ્નાવલિ તેમજ અન્ય ધોરણો પરથી તેમની પીડા અને ચાલવાની ક્ષમતાનો ક્યાસ કાઢે છે. ૦-૪૮ના સ્કોરમાં ૨૫થી ઓછો સ્કોર ધરાવતા દર્દી હિપ-ની સર્જરી માટે યોગ્ય ગણાવાય છે. આ ઉપરાંત, ૩૦ કે તેથી વધુ BMI ધરાવતા દર્દીને સર્જરી અગાઉ વજન ઘટાડવા અને ધૂમ્રપાન કરનારાને ઓછામાં ઓછાં બે મહિના આદત છોડવા જણાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter