લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલમાં પોસ્ટ ઓફિસે પીડિત સબ પોસ્ટમાસ્ટરોને જેટલું વળતર ચૂકવ્યું છે તેટલી જ રકમ પીડિતો સામે કેસ લડવા માટે વકીલોને પણ ચૂકવી છે. પોસ્ટ ઓફિસ વતી અદાલતોમાં હાજર રહેલા વકીલોને 250 મિલિયન પાઉન્ડ કરતાં વધુ ફી પેટે ચૂકવાયાં છે.
માહિતી અધિકાર અંતર્ગત પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પોસ્ટ ઓફિસે માર્ચ 2023ના અંત સુધીના છેલ્લા 10 કરતાં વધુ વર્ષમાં 15 કાયદા કંપનીઓ અને બે બેરિસ્ટર ચેમ્બરને સલાહ આપવા માટે 257 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં હતાં.
બીજીતરફ સરકાર દ્વારા જુલાઇ 2024ના અંત સુધીમાં પીડિત સબ પોસ્ટમાસ્ટરોને વળતર પેટે 261 મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે. પોસ્ટ ઓફિસે લંડનમાં આવેલી એન્ગ્લો ઓસ્ટ્રેલિયન કાયદા કંપની હર્બર્ટ સ્મિથ ફ્રીહીલ્સને સૌથી વધુ 163.5 મિલિયન પાઉન્ડ ફી પેટે ચૂકવ્યાં હતાં.