નડીઆદઃ તાલુકાના પીપળાતા ગામે બાલગોપાલ ફાઉન્ડેશન (યુકે) દ્વારા નવનિર્મિત થનાર સ્વસ્તિક માધ્યમિક શાળાના પટાંગણમાં ૨૪ નવેમ્બરે ખાતમૂહુર્ત વિધિ યોજાઇ હતી. દાનવીર ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શાનદાર સમારંભમાં સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણ અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા અને વિદેશવાસી ગુજરાતીઓના યોગદાનને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બાલગોપાલ ફાઉન્ડેશન (યુકે) દ્વારા ખેડા જિલ્લામાં આ પાંચમી શાળાનું નિર્માણ થઇ રહ્યું છે.
સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે વતનના વિકાસ માટે પ્રતિબદ્ધ વિદેશવાસી ગુજરાતીઓના પ્રદાનને બિરદાવતા જણાવ્યું હતું કે, પરદેશમાં વસવાટ છતાં ગુજરાતીઓ માદરે વતનમાં પોતાના પરિશ્રમના નાણાંનું દાન કરીને દેશના શિક્ષણ પ્રત્યે જે જાગૃતિ દાખવી રહ્યા છે તે દીવાદાંડી સમાન છે. આવા દાનવીરો થકી જ ભવ્ય અને નૂતન ભારતનું નિર્માણ શક્ય બનશે. ભારતને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મજબુત નેતૃત્વ મળ્યું છે અને તેમના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનવા આગેકૂચ કરી રહ્યું છે.
વિધાનસભાના મુખ્ય દંડક અને લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આજના સમયમાં શિક્ષણની જરૂરત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આપણે જો આજે શિક્ષણની ચિંતા નહિ કરીએ તો બાળકનો જ નહીં, દેશનો પણ વિકાસ રુંધાશે. આ સ્થિતિ નિવારવા વાલીઓ અને શિક્ષકોએ બાળકોના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરવું રહ્યું.
આ પ્રસંગે યુકે સત્તાવીશ પાટીદાર સમાજના પ્રમુખ અને ટ્રસ્ટી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા બાલગોપાલ ફાઉન્ડેશન દ્વારા આજ સુધીમાં ૩૦૦૦ વિદ્યાર્થીઓને દત્તક લેવાયા છે, જેમના શિક્ષણનો તમામ ખર્ચ ટ્રસ્ટ ઉઠાવી રહ્યું છે. દેશના ઉજ્જવળ અને તેજસ્વી ભવિષ્ય માટે અમે ચિંતાતુર છીએ. અમે હજુ વધુને વધુ જરૂરિયાતવાળા વિસ્તારોમાં શાળાનિર્માણ અને શિક્ષણને મજબૂત બનાવવા કટિબદ્ધ છીએ ત્યારે સૌ ભારતવાસીઓનો સાથ અમને મળી રહે તેવી અપેક્ષા અસ્થાને નથી.
આ સમારોહમાં મુખ્ય દાતા અજયભાઈ પટેલ અને ધર્મપત્ની નિમિષાબેન પટેલ (દુબઈ), ચેરમેન અજયભાઈ પટેલ (એ.જે. ટ્રાવેલ-યુકે), હેમુભાઈ પટેલ (ક્લબ ૨૦૦૦-યુકે), કામીન પટેલ (મુંબઈ લોકલ-યુકે), જયેશ અમીન, મુકેશ પટેલ, ભાવનાબેન પટેલ, ચંદ્રેશ પટેલ, બ્રુસ પટેલ, યોગેશ પટેલ, રજનીકાંત પટેલ (તમામ યુકે), મનીષભાઈ દેસાઈ (ભોપીભાઈ), યશેષ દવે (એન્જિનિયર), સંકુલના નિર્માણ માટે પ્રયત્નશીલ બાલગોપાલ ફાઉન્ડેશનના ભારત ખાતેના મુખ્ય ટ્રસ્ટી રશ્મિભાઈ પટેલ (પીપલગ), પીપળાતા શિક્ષણ સમિતિના પ્રમુખ જગદીશભાઈ, મંત્રી દશરથભાઈ પટેલ, સરપંચ માયાબેન પરમાર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.