લંડનઃ યુકેના પૂર્વ સિટી મિનિસ્ટર તુલિપ સિદ્દિક વિરુદ્ધ બાંગ્લાદેશમાં ધરપકડ વોરંટ જારી કરાયું છે. તેમના પર બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને તેમના માસી પાસેથી ગેરકાયદેસર રીતે જમીનનો પ્લોટ હાંસલ કરવાનો નવો આરોપ મૂકાયો છે. અહેવાલો પ્રમાણે બાંગ્લાદેશની અદાલત દ્વારા શેખ હસીના સાથે સંકળાયેલા સિદ્દિક સહિતના 53 લોકો સામે ધરપકડ વોરંટ જારી કરાયાં છે. જોકે હાલ યુકે અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યર્પણની કોઇ સંધિ અસ્તિત્વમાં નથી.
જોકે હેમ્પસ્ટેડ એન્ડ હાઇગેટના સાંસદ તુલિપ સિદ્દિકે તેમના પર મૂકાયેલા આરોપ નકારી કાઢતાં જણાવ્યું છે કે બાંગ્લાદેશના સત્તાવાળાઓ મારી સામે પાયાવિહોણું અભિયાન ચલાવી રહ્યાં છે. સિદ્દિકે જાન્યુઆરી 2025માં ટ્રેઝરીના ઇકોનોમિક સેક્રેટરીપદેથી રાજીનામુ આપ્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો ભ્રષ્ટાચાર માટે ઇન્ટરનેશનલ વોરંટ જારી કરાયું હોય તો સિદ્દિકે સાંસદપદેથી તાત્કાલિક રાજીનામુ આપી દેવું જોઇએ. વડાપ્રધાન કેર સ્ટાર્મર હજુ સિદ્દિકને કેબિનેટમાં સ્થાન આપવાના આશાવાદી છે પરંતુ તેમણે સિદ્દિક સાથેની મિત્રતાને હાંસિયામાં ધકેલીને તેમની સામે પગલાં લેવા જોઇએ.
બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશને આરોપ મૂક્યો છે કે સિદ્દિકે રાજધાની ઢાકાના ડિપ્લોમેટિક ઝોનમાં પૂર્વ શાસકોની સાંઠગાંઠમાં 670 ચોરસ મીટરનો પ્લોટ હાંસલ કર્યો હતો.