પૃથ્વી પર પહેલાં મરઘી આવી કે ઇંડું? જવાબ મળી ગયાનો વિજ્ઞાનીઓનો દાવો

Sunday 09th April 2023 06:30 EDT
 
 

નવી દિલ્હી: ઘણાં સવાલો વર્ષોથી વણઉકેલ્યા ઊભા છે, જેમનો આજ સુધી કોઈ સચોટ જવાબ આપી શક્યું નથી. આવો જ એક પ્રશ્ન છે કે પૃથ્વી પર પહેલા મરઘી આવી કે ઈંડું? ચોક્કસપણે તમે પણ આ પ્રશ્ન બાળપણથી સાંભળતા આવ્યા હશો, અને તેનો સચોટ જવાબ આજ સુધી મળ્યો નહીં હોય. જોકે, હવે વૈજ્ઞાનિકોએ આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને યુનિવર્સિટી ઓફ વોરવિકના વૈજ્ઞાનિકો પહેલાં મરઘી આવી કે ઈંડું એ મુદ્દે ગહન સંશોધન કર્યા બાદ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ધરતી પર પહેલાં મરઘી આવી છે. યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને યુનિવર્સિટી ઓફ વોરવિકના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ઇંડાના છાલની રચનામાં ઓવોક્લિડિન (OC-17) નામનું પ્રોટીન મહત્વપૂર્ણ છે. તે ગર્ભવતી મરઘીના અંડાશયમાં ઉત્પન્ન થાય છે. પરિણામે આ કોયડાનો સાચો જવાબ એ છે કે પહેલા ઈંડું નહીં, પણ મરઘી આવી હતી.
સંશોધક ટીમે ઈંડાના શેલની રચના જોવા માટે HECtor નામના હાઇ-ટેક કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો હતો.
તેઓએ જોયું કે OC-17 એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે, તે મરઘીના શરીરમાં કેલ્સાઇટ સ્ફટિકોમાં કેલ્શિયમ કાર્બોનેટને કિક-સ્ટાર્ટ કરે છે. આ એ જ પદાર્થ છે જે ઈંડાના આવરણને સખત બનાવે છે, જેમાં બચ્ચાના વિકાસ દરમિયાન જરદી અને રક્ષણાત્મક પ્રવાહીનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના એન્જિનિયરિંગ મટિરિયલ્સ વિભાગના ડો. કોલિન ફ્રીમેને જણાવ્યું હતું કે: ‘લાંબા સમયથી શંકાસ્પદ બાબત હતી કે પહેલા ઈંડું આવ્યું હશે, પરંતુ હવે અમારી પાસે વૈજ્ઞાનિક પુરાવા છે જે દર્શાવે છે કે મરઘી હકીકતમાં પહેલાં આવી છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રોટીનની ઓળખ અગાઉ કરાઈ હતી અને તેને ઈંડાના નિર્માણ સાથે સાંકળવામાં આવ્યું હતું, પરંતુ તેનો વધુ ઝીણવટભર્યો અભ્યાસ કરતાં અમને જાણવા મળ્યું કે તે પ્રક્રિયાનું નિયમન કેવી રીતે કરે છે. ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે વિવિધ એવિયન પ્રજાતિમાં સમાન ભૂમિકા ભજવતું આ પ્રોટિન ખરેખર તો વિવિધ પ્રકારે કામગીરી કરે છે.
એસોસિએટ પ્રોફેસર જોન હાર્ડિંગ કહે છે કે પ્રકૃતિએ એવા ઉકેલો શોધી કાઢ્યા છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમામ પ્રકારની સમસ્યાઓ માટે કામ કરે છે. આપણે તેમાંથી ઘણું બધું જાણી શકીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter