બર્મિંગહામઃ અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક જીવનમાં વનસ્પતિજન્ય આહાર તેમજ હર્બલ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. મિસ પેહરને હેર એન્ડ બ્યૂટી એવોર્ડ ૨૦૧૯ પણ એનાયત થયો હતો. હવે પેહર આ વર્ષના નવેમ્બરમાં ઈંગ્લેન્ડમાં આયોજિત ‘ટીન ફેસ ઓફ ધ વલ્ડ’ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની ફાઈનલમાં યુકેનું પ્રતિનિધિત્વ કરશે.
સ્થાનિક ગ્રામર સ્કૂલની વિદ્યાર્થિની પેહર પિયાનોવાદક, ગાયક, એકટર, કોરિયોગ્રાફર તેમજ વિવિધ નૃત્યકળાની જાણકાર હોવાં સાથે પર્યાવરણીય કેમ્પેઈનર છે અને યુકેમાં ચાર R (Remove, Reduce, Reuse and Recycle) વિશે જાગૃતિ ફેલાવે છે. તેણે નેશનલ થિયેટર, બીબીસી ટીવી સીરિઝ સહિત તખ્તાઓ પર પરફોર્મ કરેલું છે.
પેહર નવજાત બાળકોમાં અંધાપાની સારવાર કરતી ભારતસ્થિત નાની ચેરિટી ‘આઈબ્લેસ’ની સહસ્થાપક છે. તેના સ્ટેજ પરફોર્મન્સીસ અને પ્રવૃત્તિઓમાંથી મળતા તમામ દાન આ સંસ્થાને સહાય કરવામાં જાય છે. પેહર તેના સ્પોન્સર અયુમી નેચરલ્સ સાથે સહયોગથી સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવા કાર્યરત રહેશે. પેહરે જણાવ્યું હતું કે, ‘સૌંદર્યસ્પર્ધાઓના સંદર્ભે મિસ ટીન અર્થ યુકે ૨૦૧૯ ટાઈટલ જીતવાની મને ઘણી હોંશ હતી કારણકે વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ પ્રસરાવવાનો રચનાત્મક સંદેશો હોવાથી તે સ્પર્ધા અનોખી હતી.’
મિસ ટીન અર્થ સ્પર્ધામાં પર્યાવરણની હિમાયત કરતા વસ્ત્રો પરિધાન કરવાના હતા. પેહરે પોતાના બગીચામાંથી પાંદડાના બનેલા વસ્ત્રો ધારણ કર્યા હતા અને મેસેજ બોર્ડમાં ‘PLANT A TREE, 2B POLLUTION FREE’ લખ્યું હતું. એવોર્ડવિજેતા પેહર હવે હોસ્પીસ, શાળાઓ, શોપિંગ મોલ્સ, ઈકો-ફેશન શોઝની મુલાકાતો લઈ પર્યાવરણની જાળવણીનાં અભિયાનોમાં જોડાશે.