લંડનઃ સ્માર્ટફોન્સની ગુલામીમાં લોકો ફસાઈ રહ્યાં છે ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતે પુરુષોને તેમના જેકેટ્સના પોકેટ્સમાં ફોન રાખવા સામે ચેતવણી આપી છે. ટ્રાઉઝરના પોકેટમાં અથવા રાત્રે બેડસાઈડ ટેબલ પર મોબાઈલ ફોન્સ રાખનારા પુરુષો પિતા બનવાની તકને નુકસાન પહોંચાડતા હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસના તારણો કહે છે કે દિવસ દરમિયાન ટ્રાઉઝર પોકેટમાં મોબાઈલ ફોન્સ રાખનારા પુરુષોના સ્પર્મના લેવલ અને ગુણવત્તામાં ગરમીના કારણે ઘટાડો થવાનું જોખમ રહે છે.
આ તારણોને ધ્યાનમાં રાખી હાર્લે સ્ટ્રીટ અને લંડનની સેન્ટ જ્યોર્જ‘સ હોસ્પિટલમાં ફર્ટિલિટી નિષ્ણાત જેડિસ ગ્રૂડ્ઝિન્કાસે પુરુષોને સલાહ આપતા કહ્યું હતું કે,‘પુરુષોએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા રાખી ફોનના બંધાણી થતાં અટકવું જોઈએ. તમારા નીચલા ખિસાના બદલે ચેસ્ટ પોકેટમાં ફોન રાખશો તો સ્પર્મ કાઉન્ટ ઘટવાનું જોખમ નિવારી શકશો. કેટલાંક પુરુષો રાત્રે શોર્ટ્સ કે પાયજામામાં ફોન રાખી પથારીમાં સૂએ છે તે શું જરૂરી છે?’
ઈઝરાયેલમાં કરાયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે મોબાઈલ ફોન દ્વારા નિયમિતપણે દિવસમાં એક કલાકથી વધુ સમય સતત વાત કરવી અને ફોન ચાર્જ થતો હોય ત્યારે વાત કરતા રહેવાથી સ્પર્મ કોન્સ્ટ્રેશન ઘટવાની શક્યતા બમણી થઈ જાય છે. જે પુરુષો ફોનને સાથળથી ૫૦ સેન્ટીમીટર (૨૦ ઈંચ)થી વધુ નજીક રાખે છે તેમનામાં સ્પર્મ લેવલ અસામાન્યપણે ઘટી જાય છે. ફોનને તદ્દન નજીક રાખનારા પુરુષોના ૪૭.૧ ટકામાં સ્પર્મ કોન્સ્ટ્રેશન લેવલ અસામાન્ય ઓછું જણાયું હતું.