લંડનઃ પ્રિન્સ વિલિયમે સંકેત આપ્યો છે કે તેઓ નથી ઇચ્છતા કે પરિવારને છોડીને ગયેલો તેમનો ભાઇ પ્રિન્સ હેરી ભવિષ્યમાં તેમની તાજપોશીમાં હાજર રહે. પ્રિન્સ હેરીના 40મા જન્મદિવસ પર પ્રસિદ્ધ થયેલા એક અખબારી આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સ વિલિયમ ઇચ્છે છે કે તેમની તાજપોશી અલગ પ્રકારની બની રહે અને તેમાં તેમનો ભાઇ હાજર ન હોય.
ડ્યુક ઓફ કેમ્બ્રિજના મિત્રોએ જણાવ્યું હતું કે, પ્રિન્સ વિલિયમ ઇચ્છે છે કે તેમની તાજપોશીમાં પ્રિન્સ હેરીને બાકાત રાખવામાં આવે. બંને ભાઇઓ વચ્ચેના મતભેદ હવે મનભેદ બની ચૂક્યાં છે જે એક અત્યંત દુખદ બાબત છે. બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી કોઇ વાતચીત થઇ નથી. જેના કારણે પરિવારમાં વિભાજન વધુ બદતર બન્યું છે.
2020માં પ્રિન્સ હેરી કેલિફોર્નિયા રહેવા ગયા અને જાહેરમાં પરિવારની જે રીતે ટીકા કરી ત્યારબાદ બંને ભાઇઓ વચ્ચેના સંબંધો નવા તળિયે પહોંચ્યાં હતાં. ઓપ્રા વિનફ્રે સાથેના પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના ઇન્ટર્વ્યુ, નેટફ્લિક્સની સીરિઝ અને પ્રિન્સ હેરીના પુસ્તક સ્પેરના કારણે પ્રિન્સ હેરી અને રાજવી પરિવાર વચ્ચેના સંબંધોમાં સાંધી ન શકાય તેવું ભંગાણ સર્જાયું હતું. કિંગ ચાર્લ્સ પ્રિન્સ હેરીને માફી આપી શકે છે પરંતુ રાજવી પરિવારના અન્ય સભ્યો તેનો વિરોધ કરી રહ્યાં છે.
કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુની સુરક્ષા પાછી ખેંચી લીધી
કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી છે. ડ્યુક ઓફ યોર્ક પ્રિન્સ એન્ડ્રુના નિવાસસ્થાન રોયલ લોજ ખાતે તહેનાત સિક્યુરિટી ટીમને કિંગ ચાર્લ્સે પાછી ખેંચી છે. પ્રિન્સ એન્ડ્રુ લાંબા સમયથી આ ઇમારત ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યાં છે. કિંગના નિર્ણયને પગલેતેમને ટૂંકસમયમાં આ ઇમારત ખાલી કરાવવામાં આવે તેવી સંભાવના છે. કિંગ ચાર્લ્સે પ્રિન્સ એન્ડ્રુની સુરક્ષા ટીમનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનો ઇનકર કરી દીધો છે.