લંડનઃ મિલિયનો પાઉન્ડના દાવા અને બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા સેલ્ફ મેડ બાબા રાજિન્દર કાલિયાને કોર્ટ દ્વારા 8 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજિન્દર કાલિયા પર આરોપો મૂકનારી તમામ મહિલાઓ ભારતીય મૂળની છે અને જજે કાલિયા સામે ખટલો ચલાવવાની પરવાનગી અપાઇ તેના બે વર્ષ પહેલાં તેઓ કાનૂની લડાઇ જીતી ગઇ હતી. જૂન 2022માં જજ ડેપ્યુટી માસ્ટર રિચર્ડ ગ્રિમશોએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે, આ કેસમાં કેટલાક ભયાનક મુદ્દાઓ પર વિચારણાની જરૂર છે. ઘણા વાસ્તવિક મુદ્દાઓ અદાલત સમક્ષ લાવવામાં આવ્યાં છે. રાજિન્દર કાલિયા દ્વારા તેમને દબાવીને રાખવામાં આવતાં હતાં.
આ કેસની સુનાવણી ગયા સપ્તાહમાં રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના જજ માર્ટિન સ્પેન્સર સમક્ષ શરૂ કરવામાં આવી હતી અને આગામી કેટલાક મહિનામાં તેના પર ચુકાદો આવે તેવી સંભાવના છે.
રાજિન્દર કાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા પર જે પ્રકારના આરોપ મૂકાયા છે તેનાથી હું ભયભીત છું. હું માનું છું કે દરેક વ્યક્તિને અભિવ્યક્તિનો અધિકાર છે પરંતુ તેનો ઉપયોગ પારદર્શક અને જવાબદારી સાથે થવો જોઇએ. મારા સમુદાયમાં મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે કાવતરું ઘડાયું હોય તેમ લાગે છે. સત્ય બહાર આવી જશે. આ પડકારજનક સમયમાં ટકી રહેવા માટે મને અને મારા પરિવારને સમર્થન આપનારા લોકોનો આભાર માનુ છું.