લંડનઃ વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાની દિશામાં યુકે અગ્રેસર બની રહ્યું હોવાની જાહેરાત કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઈજીરીયામાંથી પોલિયોને નાબૂદ કરવા માટે યુકે ૧૦૦ મિલિયન પાઉન્ડની મદદ કરશે.
યુકેમાંથી ૧૯૮૦ના દાયકામાં પોલિયો નાબૂદ થઈ ગયો હતો. જોકે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નાઈજીરીયામાં આ વર્ષે પાકિસ્તાનના ત્રણ સહિત પોલિયોના નવા આઠ કેસ નોંધાયા હતા.
યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DFID)ના વડાએ જણાવ્યું હતું કે ૨૦૧૭માં પાકિસ્તાન પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ કરશે તેમ લાગે છે. પોલિયોના છેલ્લા નવા કેસનું નિદાન આ વર્ષે થશે તેવું લાગે છે અને તે ૨૦૨૦માં વિશ્વને પોલિયોમુક્ત પ્રમાણિત કરવાનો માર્ગ ખોલશે.
વિશ્વભરમાં પોલિયો નાબૂદીના પ્રયાસને બ્રિટને ૧૯૮૮થી સમર્થન આપ્યું હતું અને તેના પરિણામે ૧૬ મિલિયન લોકો પોલિયોગ્રસ્ત થતા બચી ગયા છે અને લોકોને આ રોગ થવાની શક્યતા ૯૯.૯ ટકા ઘટી ગઈ હતી.