લંડનઃ પોલીસ પોસ્ટ ઓફિસ સ્કેન્ડલમાં ક્રિમિનલ ઇન્કવાયરી માટે 80 ડિટેક્ટિવ નિયુક્ત કરવાની તૈયારી કરી રહી છે. ડિટેક્ટિવો ટેક કંપની ફુજિત્સુ અને પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ન્યાયને ખોરવી નાખવા કરાયેલા પ્રયાસો અને ખોટી જુબાની આપવા અંગે તપાસ કરશે. પોલીસે પ્રોસિક્યુટરો સાથે સંભવિત ક્રિમિનલ આરોપો અને તપાસ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.
પોલીસની આ ક્રિમિનલ તપાસ દેશવ્યાપી રહેશે અને ચાર પ્રાદેશિક ઝોનમાં વહેંચી નાખવામાં આવશે. આ તપાસ માટે નિયુક્ત થનારા કર્મચારીઓની સંખ્યા કોઇ આતંકવાદી કૃત્ય અથવા હત્યાના કેસની તપાસ માટે નિયુક્ત કરાતા સ્ટાફ જેટલી જ હશે. પોલીસે આ તપાસ માટે સરકાર પાસે 6.75 મિલિયન પાઉન્ડની સહાય પણ માગી છે.
પોસ્ટ માસ્ટરોને સાગમટે માફી આપતા ખરડાને સંસદની મંજૂરી
પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સેંકડો સબ પોસ્ટમાસ્ટરો માટે ગુરુવારનો દિવસ અત્યંત ખુશીનો દિવસ રહ્યો હતો. સ્કેન્ડલમાં દોષી ઠેરવતા તમામ ચુકાદાને સાગમટે રદ કરી નાખતા ખરડાને સંસદની મંજૂરી મળી ગઇ છે. જુલાઇમાં સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં સંસદે સબ પોસ્ટમાસ્ટરોના સેંકડો પરિવારોને મોટી રાહત આપવાનું કામ કર્યું છે. આ કાયદો ઇંગ્લેન્ડ, વેલ્સ, નોર્ધન આયર્લેન્ડમાં લાગુ થશે. સ્કોટલેન્ડમાં આ માટે અલગથી કાયદો પસાર કરાશે.
હોરાઇઝન ઇન્કવાયરીઃ વેનેલ્સના આંસુ પસ્તાવાના કે મગરના?
હોરાઇઝન આઇટી ઇન્કવાયરી સમક્ષ પુરાવા રજૂ કરવા હાજર થયેલા પોસ્ટ ઓફિસના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ પૌલા વેનેલ્સ સુનાવણી દરમિયાન અવારનવાર ભાંગી પડ્યા હતા. તેમણે રડતાં રડતાં આ સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોની માફી માગી હતી. વેનેલ્સે જણાવ્યું હતું કે, હું મારા અધિકારીઓ પર વધુ પડતો વિશ્વાસ મૂકી રહી હતી. હોરાઇઝન સિસ્ટમ અંગેની મહત્વની માહિતી મને આપવામાં આવી નહોતી. પોસ્ટ ઓફિસ દ્વારા સબ પોસ્ટમાસ્ટરો સામે કાનૂની પગલાં લેવાઇ રહ્યાં હોવાની જાણ મને હું સીઇઓ બની ત્યારે 2012માં થઇ હતી.