લંડનઃ પોલીસના ઉચ્ચ અધિકારી સાથે જ જો આવા પ્રકારનું વર્તન થતું હોય તો સામાન્ય માણસ તો તેમાંથી કેવી રીતે બચી શકે. મેટ્રોપોલિટન પોલીસ કાઉન્ટરટેરરિઝમના પૂર્વ વડા નીલ બાસુએ આરોપ મૂક્યો છે કે હું એશિયન હોવાના કારણે અધિકારીઓ દ્વારા મને નિયમિત રીતે લક્ષ્યાંક બનાવવામાં આવે છે. બે સપ્તાહ પહેલાં પણ અધિકારીઓએ મને અટકાવીને મારી તલાશી લીધી હતી.
2022માં નિવૃત્ત થયા ત્યાં સુધી આસિસ્ટન્ટ કમિશ્નર રહેલા નીલ બાસુએ જણાવ્યું હતું કે, અધિકારીઓ જાણે કે અપરાધ સામે કડક હાથે કામ લઇ રહ્યા હોય તેવો દેખાડો કરે છે પરંતુ મને લાગે છે કે તેઓ ગેરકાયદેસર રીતે વર્તી રહ્યાં છે.
બાસુએ જણાવ્યું હતું કે આ રીતે અટકાવીને તલાશી લેવાની કામગીરી વંશીય લઘુમતી સમુદાયોમાં પડી ભાંગેલા વિશ્વાસ માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, હું એકમાત્ર એવો ચીફ કોન્સ્ટેબલ છું જેને છેલ્લા 30 વર્ષમાં એક બાળક, સગીર અને પુખ્ત તરીકે અટકાવીને તલાશી લેવામાં આવી હોય. દુર્ભાગ્યની વાત તો એ છે કે આ નિયમો તૈયાર કરનાર પણ હું પોતે જ હતો.