લંડનઃ પોસ્ટ ઓફિસની હોરાઇઝન આઇટી સિસ્ટમની નિષ્ફળતા માટે પોતે ગર્ભવતી હતા ત્યારે જ ખોટી રીતે જેલમાં ધકેલી દેવા માટે જવાબદાર તમામને જેલમાં ધકેલી દેવા સીમા મિશ્રાએ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિ કાયદાથી પર નથી. પોતાના કેસમાં ઇન્કવાયરી સમક્ષ તપાસકર્તાએ પુરાવા રજૂ કર્યા બાદ સીમા મિશ્રાએ આ માગ કરી હતી. તપાસકર્તા જોન લોન્ગમેને ખેદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો આ પુરાવા સામે આવ્યાં હોત તો સીમા મિશ્રાને આ પીડાઓમાંથી પસાર થવું પડ્યું ન હોત.
પોસ્ટ ઓફિસના પૂર્વ મોસ્ટ સીનિયર ઇન હાઉસ વકીલ સુસાન ક્રિચટને હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોની માફી માગી છે. તેમણે મંગળવારે ઇન્કવાયરી સમક્ષ જણાવ્યું હતું કે, હું આ સ્કેન્ડલના પીડિતો અને તેમના પરિવારોએ વેઠેલી પીડા માટે સાચા હૃદયથી માફી માગુ છું. હું ઇચ્છું છું કે તેમની મુશ્કેલીઓનો ઝડપથી અંત આવી જવો જોઇતો હતો પરંતુ તેમ થયું નથી.
કાયદા કંપનીએ પોસ્ટ ઓફિસને મહત્વના દસ્તાવેજો દબાવી દેવા સૂચના આપી હતી
પોસ્ટ ઓફિસને તેણે રોકેલી બાહ્ય કાયદા કંપનીએ સરકારી માલિકીની પોસ્ટલ કંપની સામે બ્રાન્ચ માલિકો અને ઓપરેટરો કાયદાકીય પગલાં લે તેવી ભીતિના પગલે બને ત્યાં સુધી મહત્વના દસ્તાવેજ દબાવી રાખવાની સલાહ આપી હતી. હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ચાલી રહેલી ઇન્કવાયરીઅંતર્ગત વરિષ્ઠ વકીલ રોડ્રિક વિલિયમ્સને આ અંગે તેમની કંપની વોમ્બવ બોન્ડ ડિકિન્સન દ્વારા ઇમેલ દ્વારા આ સૂચના અપાઇ હોવાનો પર્દાફાશ થયો છે.
પોસ્ટ ઓફિસે પોતાના કરતૂતો છાવર્યાઃ રોડ્રિક વિલિયમ્સ
પોસ્ટ ઓફિસના લીગલ ચીફ રોડ્રિક વિલિયમ્સે સ્વીકાર્યું છે કે હોરાઇઝન આઇટી સિસ્ટમમાં રહેલી ખામીઓ અંગેના પોસ્ટ ઓફિસના વર્તનને ખામીઓ છાવરવા તરીકે જોવું જોઇએ. બહારના તપાસકર્તાઓ દ્વારા અપાયેલા રિપોર્ટ બાદ પોસ્ટ ઓફિસે પોતાની કરતૂતો છાવરવાનું શરૂ કર્યું હતું તેવા આરોપ સાથે તમે સહમત થાવ છો કે કેમ તેવા સવાલના જવાબમાં વિલિયમ્સે જણાવ્યું હતું કે હા તેને છાવરવું કહી શકાય. હું એટલું કહી શકું કે પોસ્ટ ઓફિસે પોતાની કરતૂતોને છાવરવાનું શરૂ કરી દીધું હતું. તે માટે કોઇએ તો નિર્ણય લીધો હશે પરંતુ મને તે અંગે જાણકારી આપવામાં આવી નહોતી.