લંડનઃ સરકાર પોસ્ટ ઓફિસમાં કર્મચારીની માલિકી આધારિત મોડેલ લાગુ કરવા વિચારણા કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે કર્મચારીને જ પોસ્ટ ઓફિસનો માલિક બનાવવા માટેના વિકલ્પોની ચકાસણી કરવા એક કન્સલ્ટન્સીને કામ સોંપ્યું છે.
એક રિસર્ચ અનુસાર એમ્પ્લોયી ઓનરશિપ ટ્રસ્ટના માધ્યમથી કર્મચારીઓને જ માલિકીની સોંપણી કરનારી કંપનીઓની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 27 ટકાનો વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં નવા એમ્પ્લોયી ઓનરશિપ ટ્રસ્ટની સંખ્યામાં 2750 ટકાનો વધારો નોંધાયો છે. સરકાર હવે આ મોડેલ પોસ્ટ ઓફિસમાં પણ લાગુ કરવાની કવાયત કરી રહી છે.
એમ્પ્લોયી ઓનરશિપ ટ્રસ્ટના કારણે મોટી કંપનીઓને કર્મચારીઓની માલિકીમાં ભાગીદારીના કારણે લાભ થઇ શકે છે.આ પ્રકારના ટ્રસ્ટની લોકપ્રિયતામાં હવે વધારો થઇ રહ્યો છે. ઇઓટી અંતર્ગત કંપની એક ટ્રસ્ટમાં શેર ટ્રાન્સફર કરે છે જે કર્મચારીઓ વતી શેરનો વહીવટ કરે છે.