પોસ્ટ ઓફિસે હોરાઇઝન સોફ્ટવેરનો કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે રિન્યૂ કર્યો

ખામીયુક્ત સોફ્ટવેરથી સેંકડો ખોટી રીતે દંડાયા છતાં ફુજિત્સુને જ 40 મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો

Tuesday 18th February 2025 10:31 EST
 
 

લંડનઃ જે સોફ્ટવેરમાં ખામીઓના કારણે સેંકડો નિર્દોષ સબ પોસ્ટમાસ્ટરો ખોટી રીતે દંડાયા તે જ હોરાઇઝન આઇટી સોફ્ટવેર માટે પોસ્ટ ઓફિસે 40 મિલિયન પાઉન્ડ ચૂકવીને કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો છે. નવા કોન્ટ્રાક્ટનો અર્થ એ છે કે પોસ્ટ ઓફિસ આ સોફ્ટવેરનો ઉપયોગ માર્ચ 2026 સુધી કરતી રહેશે. ફુજિત્સુ સાથેનો આ કોન્ટ્રાક્ટ લંબાવવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા 40 મિલિયન પાઉન્ડ ચૂકવાશે.

ફુજિત્સુના આ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં રહેલી ખામીઓના કારણે હિસાબમાં ગેરરિતીઓ જણાતા ઓછામાં ઓછા 900 સબ પોસ્ટમાસ્ટરની સામે ખોટી રીતે ખટલા ચલાવીને દોષી ઠેરવાયાં હતાં. યુકેના ઇતિહાસની આ ન્યાયની સૌથી મોટી કસુવાવડ હતી.

હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોએ જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરીને જાણે કે અમારા ગાલ પર તમાચો માર્યો છે. હજુ સુધી મોટી સંખ્યામાં પોસ્ટ માસ્ટરોને વળતર પણ ચૂકવાયું નથી.

અગાઉ પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે અમે હોરાઇઝનના સ્થાને નવી બ્રાન્ચ ટેકનોલોજી અમલી બનાવીશું પરંતુ નવી ટેકનોલોજી પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આ સોફ્ટવેરનો ઉપયોગ ચાલુ રહેશે.

પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હોરાઇઝન સોફ્ટવેરનું સ્થાન નવી ટેકનોલોજી લેશે તેમ કહેવું વહેલું ગણાશે. અમે પોસ્ટમાસ્ટરો માટે ઓછી જોખમી નવી બ્રાન્ચ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છીએ.

પીડિત પોસ્ટમાસ્ટરોને વળતર ચૂકવવામાં સરકારના ઠાગાઠૈયાઃ સર એલન બેટ્સ

હોરાઇઝન આઇટી સ્કેન્ડલના ક્રુઝેડર સર એલન બેટ્સે આરોપ મૂક્યો છે કે સરકાર હજુ સ્કેન્ડલના પીડિતો માટે નર્કસમાન સ્થિતિનું નિર્માણ કરી રહી છે. હાઇકોર્ટમાં કાનૂની જંગ જીતી ચૂકેલા 240 કરતાં વધુ પૂર્વ સબ પોસ્ટમાસ્ટરો હજુ તેમના વળતરની રાહ જોઇ રહ્યાં છે. વિલ્મસ્લોના ટેરી વોલ્ટર્સનું વળતર મળે તે પહેલાં જ નિધન થતાં સર બેટ્સે સરકારના વલણની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પીડિત સબ પોસ્ટમાસ્ટરો રોજબરોજ નર્કાગારનો સામનો કરી રહ્યાં છે. સરકારને તેનું જરાપણ ભાન નથી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર થોડા કિસ્સાઓમાં વળતર ચૂકવીને પોતાની પીઠ થપથપાવી રહી છે પરંતુ આંકડા દર્શાવે છે કે તેઓ વળતર ચૂકવવામાં કેટલી ખરાબ કામગીરી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, પીડિતને વળતર માટેની પ્રારંભિક ઓફર મળ્યા બાદ થતો 40 દિવસનો વિલંબ અન્યાયી છે. જો આજ ગતિથી વળતર ચૂકવવામાં આવશે તો 2027 સુધી તેનો પાર આવશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter