લંડનઃ ગુપ્ત રીતે કરાયેલા રેકોર્ડિંગ દ્વારા પૂરવાર થઇ ગયું છે કે પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલને છાવરવામાં આવ્યું હતું જેના પગલે પોસ્ટ ઓફિસના પદાધિકારીઓ સામે ક્રિમિનલ એક્શન લેવાનું દબાણ વધી ગયું છે. રેકોર્ડિંગ દ્વારા પૂરવાર થઇ રહ્યું છે કે આઇટી સોફ્ટવેર આપનાર કંપની ફુજિત્સુ અને પોસ્ટ ઓફિસ 10 વર્ષ પહેલાંથી સારી રીતે જાણતા હતા કે ખામીયુક્ત કોમ્પ્યુટર સિસ્ટમ સબ પોસ્ટ માસ્ટરોના ખાતામાં ઘાલમેલ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1999થી 2015 વચ્ચે હોરાઇઝન સિસ્ટમમાં રહેલી ખામીના કારણે 900 કરતાં વધુ સબ પોસ્ટ માસ્ટરોને ચોરી, ફ્રોડ અને હિસાબકિતાબમાં ગેરરિતી માટે ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં.
ચેનલ4 ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં આ રેકોર્ડિંગ 2013ના છે જે સમયે પોસ્ટ ઓફિસે સ્વતંત્ર તપાસ માટે ફોરેન્સિક કંપની સેકન્ડ સાઇટને કામ સોંપ્યું હતું. આઇટી સ્પેશિયાલિસ્ટ સાયમન બેકર સાથેના કોલ પરથી જાણવા મળે છે કે સબ પોસ્ટમાસ્ટરોના ખાતાઓમાં તેમની જાણ બહાર જ ઘાલમેલ થઇ શકી હોવી જોઇએ. બાકરે જણાવ્યું હતું કે, બ્રેકનેલમાં બેઠેલી કોઇ વ્યક્તિના મગજનું ઠેકાણું ન હોય અને તે કંઇક કરવા ઇચ્છે તો તે કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફુજિત્સુની હેડ ઓફિસ પશ્ચિમ લંડનના બ્રેકનેલમાં આવેલી છે.
બાકરે જણાવ્યું હતું કે, મેં પોસ્ટ ઓફિસના એક્ઝિક્યુટિવ અધિકારીઓ આલ્વિન લિયોન્સ અને સુસાન ક્રિચટનને માહિતી આપી હતી કે ફુજિત્સુએ કબૂલાત કરી છે કે તે ગુપ્ત રીતે સબ પોસ્ટમાસ્ટરોના ખાતા ખંખોળી શકે છે. આ પહેલાં 2012માં હોરાઇઝન સોફ્ટવેર બનાવનાર ગેરેથ જેનકિન્સે પણ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે ફુજિત્સુના હેડક્વાર્ટરમાં બેઠાં બેઠાં સમગ્ર આઇટી સિસ્ટમને ખંખોળી શકાય છે. પોસ્ટ ઓફિસે આ સત્યની 2019 સુધી કબૂલાત જ કરી નહોતી.
બીજા એક રેકોર્ડિંગમાં સેકન્ડ સાઇટ એકાઉન્ટન્ટોએ પોસ્ટ ઓફિસના કંપની સેક્રેટરી લિયોન્સ અને ચીફ લોયર ક્રિચટનને આ અંગેના પુરાવા આપ્યા હતા. એકાઉન્ટન્ટોને એમ કહેતાં પણ સાંભળી શકાય છે કે તેમણે સિસ્ટમની ખામીઓ અંગે પોસ્ટ ઓફિસના સીઇઓ પૌલા વેનેલ્સને પણ માહિતી આપી હતી. આ એકાઉન્ટન્ટોને પાછળથી નોકરીમાંથી હાંકી કઢાયાં હતાં.
હાઉસ ઓફ કોમન્સમાં બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીના ચેરમેન લેબર સાંસદ લિયામ બાયર્નેએ જણાવ્યું હતું કે, 2013માં પ્રથમ પુરાવા સામે આવ્યા અને લોકો આ ખામી અંગે જાણતા હતા તે સાંભળીને હું મારા ગુસ્સાને કાબૂમાં રાખી શક્તો નથી. તેમણે ન કેવળ સંસદને ગેરમાર્ગે દોરી છે પરંતુ તેઓ 2015થી નિર્દોષોને જેલમાં ધકેલી રહ્યાં હતાં. આ સંસદની અવમાનના અને ન્યાયની કસૂવાવડ છે. હવે સવાલ એ છે કે પોલીસ પાસે પગલાં લેવા માટે પુરતા પુરાવા આવી ગયાં છે.
પુરાવા જોઇને રડી પડેલા લોર્ડ આર્બથનોટે જણાવ્યું હતું કે, હું છેલ્લા 14-15 વર્ષથી આ લડાઇ લડી રહ્યો છું અને મને લાગે છે કે બ્રિટિશ સંસ્થાન આ રીતે પણ વર્તી શકે છે તે એક ભયાનક બાબત છે.
પોસ્ટ ઓફિસે કાનૂની લડાઇમાં 100 મિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યાં
લંડનઃ બીબીસી દ્વારા મેળવાયેલો એક ગુપ્ત રિપોર્ટ કહે છે કે પોસ્ટ ઓફિસે પોતાનો બચાવ ખોટો હોવાની જાણકારી હોવા છતાં સબ પોસ્ટમાસ્ટરો સામેની કાનૂની લડાઇમાં 100 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસને 2017માં જ પુરાવા બતાવી દેવાયા હતા કે રિમોટ ટેમ્પરિંગ અથવા તો હોરાઇઝન આઇટી સિસ્ટમમાં રહેલી ખામીઓના કારણે હિસાબમાં ગેરરિતી જણાઇ રહી છે પરંતુ પોસ્ટ ઓફિસે સતત દોષનો ટોપલો સબ પોસ્ટમાસ્ટરો પર નાખવાનું જારી રાખ્યું હતું.
પોસ્ટ માસ્ટરોને દોષ કબૂલી લેવા ધમકીઓ અપાતી હતી
લંડનઃ સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને નિર્દોષ ઠેરવી શકાય તેવો 2016માં તૈયાર થયેલો રિપોર્ટ પોસ્ટ ઓફિસે દફનાવી દીધો હતો. આ રિપોર્ટમાં સબ પોસ્ટમાસ્ટરોને પોતાનો દોષ સ્વીકારી લેવા દબાણ કરવા માટે પોસ્ટ ઓફિસની આકરી ટીકા કરાઇ હતી. પોસ્ટ ઓફિસ દ્વારા નિર્દોષ પોસ્ટ માસ્ટરોને પોતાનો અપરાધ સ્વીકારી લેવા ધમકીઓ અપાતી હોવાનો આરોપ પણ મૂકાયો હતો.