લંડનઃ ભારતના પ્રખર ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જીવન પર આધારિત ફિલ્મ ‘The Man Who Knew Infinity’ યુકેમાં તાજેતરમાં રિલીઝ થઈ છે. મેથ્યુ બ્રાઉન દિગ્દર્શિત આ જીવનચરિત્રાત્મક ફિલ્મ રોબર્ટ કેનિગલે ૧૯૯૧માં લખેલા આ જ નામના પુસ્તક પરથી બની છે. જોકે, તેમના જીવનનું હાર્દ એટલે કે ગણિતજગતમાં રામાનુજને આપેલા યોગદાનની કોઈ વાત જ ફિલ્મમાં સ્પષ્ટ થતી નથી તે તેની સૌથી મોટી ખામી છે.
ફિલ્મમાં રામાનુજનનો રોલ દેવ પટેલે કર્યો છે. જેરેમી આયર્ન્સ, ટોબી જોન્સ, સ્ટીફન ફ્રાય (કેમિઓ) અને અરૂંધતી નાગ સહિત અન્ય સ્ટાર કલાકારોએ પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે.
દેવ પટેલે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથેની ખાસ મુલાકાતમાં પોતાના અનુભવની વાત કરતાં કબૂલ્યું હતું કે આ ફિલ્મ અગાઉ તેઓ રામાનુજનના ભવ્ય વારસાથી તદ્દન અજાણ હતા. ફિલ્મમાંથી પોતે એ વાત શીખ્યા હતા કે એક ગણિતશાસ્ત્રી માટે પોતાની માન્યતાને કઠોરપણે વળગી રહેવું તે આશીર્વાદ અને શ્રાપ બન્ને જેવું હોય છે. જક્કી વલણને લીધે જ રામાનુજન સિસ્ટમ સાથે સંપૂર્ણપણે અનુકુળ થઈ શક્યા નહીં. પરંતુ સાથે જ કઠોરતા તેમની પ્રતિભા માટે પ્રેરણારૂપ હતી. દેવે કહ્યું કે એક અભિનેતા તરીકે આ રોલ માટે તૈયારી કરવાનું ખૂબ અઘરું હતું, કારણ કે રામાનુજન વિશે કલ્પના અથવા તેમનું અનુકરણ થઈ શકે તેવું ઓડિયો - વીડિયો જેવું કોઈ રેકોર્ડેડ મટિરિયલ જ ઉપલબ્ધ નહોતું.
દેવ પટેલે દાવો કર્યો હતો કે સામાન્યપણે બાયોપિકમાં પાત્રાલેખન વાસ્તવિક જીવન કરતા ઘણું મહાન દર્શાવાય છે, પરંતુ આ ફિલ્મમાં ‘માનવ’ અને ‘નાયક’ વચ્ચે સમતુલા જળવાઈ છે. ફિલ્મમાં રામાનુજનને ખૂબ આધ્યાત્મિક બતાવાયા છે. તે કહે છે કે ગણિતનું દરેક સમીકરણ ભગવાનનો સાક્ષાત્કાર છે અને તેથી તે સત્યનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. ટ્રિનીટી કોલેજમાં રામાનુજનને પડેલી તકલીફોની વાતને ફિલ્મમાં આમ તો ન્યાય અપાયો છે, પરંતુ તેમનું રિસર્ચ શેને લગતું હતું તે અંગે વધુ દર્શાવાયું નથી.
ફિલ્મમાં સતત આવતા ગણિતના જટિલ દાખલા અને સૂત્રો તમને મૂંઝવણમાં મૂકી દેશે અને રામાનુજનના કોયડારૂપ મગજને બિરદાવવા માટે તમે ઓછાં તૈયાર હોવ તેવું લાગશે. તેમણે આપેલા યોગદાનનો ઉપયોગ અત્યારે ભૌતિકશાસ્ત્રીઓ બ્લેક હોલના અભ્યાસ માટે કરી રહ્યા છે. દરેક કલાકારોએ તેમના પાત્રને જીવંત કર્યા છે તે આ ફિલ્મની સારી બાબત છે. દેવ (રામાનુજન) અને જેરેમી આયર્ન્સ (પ્રો. હાર્ડી) વચ્ચેની કેમિસ્ટ્રી આ બાયોપિકની હાઈલાઈટ છે.
દરમિયાન, ‘અમે દેવ પટેલને નજીકના ભવિષ્યમાં બોલીવૂડ ફિલ્મમાં જોઈ શકીશું?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં દેવે કહ્યું હતું કે,‘તેમની પાસે એટલી બધી પ્રતિભાઓ છે કે તેમને મારી જરૂર નથી! હું બોલીવૂડ માટે કદાચ યોગ્ય નથી.’