એડિનબરાઃ બ્રિટનનો જેસી ડફ્સ્ટન સ્કોટલેન્ડનો ‘ઓલ્ડ મેન ઓફ હોય’ પહાડ પર ચઢનાર વિશ્વનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પર્વતારોહક બની ગયો છે. જેસીએ ૪૫૦ ફૂટ ઊંચા પહાડ પર ૭ કલાકમાં ચઢાણ પૂર્ણ કર્યું હતું. આ ચઢાણ માટે જેસીને તેની ફિયાન્સે મોલી થોમ્પસને મદદ કરી હતી. મોલી તેને હેડસેટની મદદથી વોઇસ કમાન્ડ આપતી રહી, અને જેસી તેના સહારે આગળ વધતો રહ્યો. જેસી અને થોમ્પસન ૨૦૦૪થી સાથે ક્લાઇમ્બિંગ કરી રહ્યાં છે. લાલ પથ્થરોવાળો આ પહાડ સ્કોટલેન્ડમાં નોર્થ કોસ્ટમાં આવેલો છે.
સિદ્ધિ હાંસલ કર્યા બાદ જેસીએ જણાવ્યું હતું કે, ‘આ પહાડ રિમોટ એરિયામાં આવેલો હોવાથી ચઢાણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પહાડ સમુદ્રકિનારે આવેલો હોવાથી મેં તેની પસંદગી કરી હતી. હું આ પહાડ પર ચઢનાર પ્રથમ બ્લાઇન્ડ કલાઇમ્બર બનવા માગતો હતો અને મેં આ સિદ્વિ મેળવી છે. કલાઇમ્બિંગ સમયે એક જ બાબત પર ફોક્સ રાખવું જરૂરી હોય છે. કોઇ બીજી વસ્તુ અંગે વિચાર કરવાનું શક્ય પણ નથી. માત્ર અને માત્ર એ જ વિચાર ચાલતા રહે છે કે આ પહાડ પર કેવી રીતે આગળ વધી શકાશે અને કેવી રીતે ચઢાણ પૂર્ણ કરી શકાશે.’
માત્ર એક ટકો વિઝન
પ્રજ્ઞાચક્ષુ પર્વતારોહક જેસીનું વિઝન જન્મ સમયે માત્ર ૨૦ ટકા હતું, જે વયના વધવા સાથે ઘટતું રહ્યું છે. આજે તેનું વિઝન માત્ર એક ટકો જ બચ્યું છે. જેસી કહે છે કે ‘હું વધારે કંઇ જોઇ શકતો નથી કે વસ્તુઓને ઓળખી શકતો નથી. પ્રકાશના આધારે માત્ર એટલું જ કહી શકું છું કે લાઇટ ક્યાં ચાલું છે. હું મારા હાથ આંખોની એકદમ નજીક લાવું છું ત્યારે આંગળીઓ જોઇ શકું છું. તેનાથી વધુ જોઇ શકતો નથી.’
જેસીના પણ પિતા પર્વતારોહક છે, અને તેમણે જ દીકરાને ક્લાઇમ્બિંગ શીખવાડ્યું છે. જેસીએ માત્ર બે વર્ષની વયે પ્રથમ વાર પર્વતારોહણ કર્યું હતું. આટલા ઓછા વિઝન છતાં પણ તે ૧૬ વર્ષની વય સુધી રગ્બી રમતો હતો. અમુક સમય પર્વતારોહણ કર્યા બાદ આ સાહસિક પ્રવૃત્તિ તેની પ્રિય રમત બની ગઇ. જેસી બ્રિટનની પેરા-ક્લાઇમ્બિંગ ટીમમાં પણ સ્થાન મેળવી ચૂક્યો છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઇ ચૂક્યો છે. આ સ્પર્ધામાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું.