લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રતિબંધ લદાયા છતાં ઝોમ્બી ચાકૂ અને ફરશીનું ઇન્ટરનેટ પર ધડલ્લે વેચાણ થઇ રહ્યું હોવાનો દાવો બીબીસી દ્વારા કરાયો છે. બીબીસી ન્યૂઝે દાવો કર્યો હતો કે તેણે યુકેની વેબસાઇટ સાથે સંકળાયેલા ઓનલાઇન રિટેલર્સ પાસેથી 4 ઝોમ્બી ચાકૂની ખરીદી કરી હતી.
બીબીસીએ નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ સમક્ષ આ અંગે રજૂઆત કરતાં તેણે જણાવ્યું હતું કે, સરકારે કાયદાને વધુ આકરો બનાવવાની જરૂર છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેટ પર ઝોમ્બી ચાકૂના વેચાણ અંગે ઝડપથી તપાસ કરી રહ્યાં છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સપ્ટેમ્બર મહિનાથી ઝોમ્બી ચાકૂ અને ફરશી રાખવા તથા વેચાણ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જોકે આ અપરાધ માટે જેલની સજાની જોગવાઇ નથી.