બર્મિંગહામઃ સમરસેટના વેસ્ટોન-સુપર-મેરના રહેવાસી સિમોન માર્ટિન અને એડના માર્ટિને તાજેતરમાં તેમની 17મી લગ્નગાંઠ ઉજવી છે. તમે કહેશો એમાં નવાઈની શું વાત છે? નવાઈ તો એટલી જ છે કે પ્રેમમાં ગળાંડૂબ સિમોનની વય 47 વર્ષની છે જ્યારે તેમના પત્ની એડનાની વય 87 વર્ષની છે. તેમના વચ્ચે 40 વર્ષનો તફાવત છે પરંતુ, પ્રેમને તો વળી ઉંમર ક્યાં નડે? તેઓ આજે પણ એકબીજાને એટલો જ પ્રેમ કરે છે જેટલો 17 વર્ષ પહેલા કરતાં હતાં.
એડના માર્ટિનની વય હાલ 87 વર્ષ અને સિમોન માર્ટિનની વય 47 વર્ષ છે. તેઓ પહેલી વખત મળ્યાં ત્યારે એડના 68 વર્ષની અને સિમોન 28 વર્ષનો યુવાન હતો. આ યુગલ એક કોન્સર્ટમાં મળ્યું હતું અને તેઓ પ્રથમ દૃષ્ટિએ પ્રેમમાં પડી ગયાં હતાં.
જુલાઈ 2005માં લગ્ન કરનારાં એડના નિવૃત્ત એન્જિનીઅર છે જ્યારે સિમોન નિવૃત્ત ઓર્ગેનિસ્ટ છે.સિમોન માચે એડના પહેલી જ ગર્લફ્રેન્ડ છે. તેમનો સંબંધ શરૂઆતમાં લોન્ગ ડિસ્ટન્સનો રહ્યો હતો પરંતુ, થોડાં સપ્તાહ પછી સાથે રહેવાં લાગ્યાં હતાં. સિમોનના પરિવારને શરૂઆતમાં આ વય તફાવતને સ્વીકારવું મુશ્કેલ લાગ્યું હતું પરંતુ, સિમોનને ખુશ જોઈ તેઓ પણ હવે કશી દરકાર કરતા નથી. એડનાના પરિવારને તો શરૂઆતથી કોઈ મુશ્કેલી ન હતી.
એડનાની દીકરીએ વેડિંગ કેક બનાવી હતી અને 57 વર્ષના દીકરાએ કન્યાદાન કર્યું હતું. એડનાના ગ્રાન્ડચિલ્ડ્રન પણ સિમોન કરતાં ઉંમરમાં મોટા છે પરંતુ, કોઈએ તેના તરફ ધ્યાન જ આપ્યું ન હતું. એડના અને સિમોન રહે છે ત્યાં લોકો પંચાતિયા નથી.
એડના કહે છે કે, ‘હું અને સિમોન એકબીજાને ચાહીએ છીએ ત્યારે એકબીજા સાથે શારીરિક સંપર્કમાં ન રહીએ તે અશક્ય છે. સુપરમાર્કેટની લાઈનમાં હોઈએ ત્યારે ઘણી વાર કિસ કરી લેતા હોઈએ છીએ.’
સિમોન પણ કહે છે કે,‘ અમે નસીબદાર છીએ કે હજુ સુંદર શારીરિક સંબંધનો આનંદ માણી શકીએ છીએ. જાહેરમાં પણ પ્રેમને પ્રદર્શિત કરીએ તે સુંદર લાગે છે- અન્યો માટે નહિ પરંતુ, અમારાં માટે આમ કરીએ છીએ છીએ. કોઈ પણ વયના દંપતી એકબીજા પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કરી શકે તે દુર્લભ બાબત છે.’ સિમોન કહે છે કે પ્રેમ એ પ્રેમ છે અને દરેકે બીજા શું કહે છે તે અવગણવું જોઈએ. ઉંમર તો એક માનસિકતા છે, જો તમે વૃદ્ધ હોવાનું વિચારશો તો તમે વૃદ્ધ જ છો.