લંડનઃ બ્રિટન દ્વારા વિકસાવાયેલી સૌપ્રથમ મેલેરિયા વેક્સિનનો ઉપયોગ સમગ્ર આફ્રિકામાં કરવાની વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભલામણ કરવામાં આવી છે. મેલેરિયાનો ઉપાય શોધવાના પ્રયાસો ગત ૮૦ વર્ષથી ચાલે છે જેમાંથી લગભગ ૬૦ વર્ષથી આધુનિક વેક્સિન વિકસાવવાનું સંશોધન ચાલી રહ્યું હતું.
બ્રિટનના બ્રેન્ટફોર્ડસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની GSK – ગ્લેક્સોસ્મિથક્લાઈન દ્વારા આ વેક્સિનનું સંશોધન સૌપ્રથમ ૧૯૮૭માં શરૂ કરાયું હતું. વેક્સિનની ટ્રાયલમાં અગ્રેસર રહેલા લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર ડેનિયલ ચંદ્રમોહનને ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે દર વર્ષે લગભગ ૪૦ મિલિયન બાળકોને આ વેક્સિન આપી શકાશે અને તેનો ઉપયોગ ફ્લુ વેક્સિનની માફક સીઝનલ પણ કરી શકાશે. RTS,S/AS01 તરીકે ઓળખાયેલા વેક્સિનને ૩૦ વર્ષથી તૈયાર કરાઈ રહયું હતું અને GSK દ્વારા તેમાં ૭૦૦ મિલિયન પાઉન્ડનું રોકાણ કરાયું હતું. વેક્સિન RTS,S/AS01નો ઉપયોગ ૨૦૧૯માં ઘાના, કેન્યા અને માલાવીમાં પાયલોટ પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. ૨૩ લાખ બાળકોને આપવામાં આવેલી વેક્સિનનાં પરિણામોના આધારે WHOએ હવે આ વેક્સિનને મંજૂરી આપી છે. પાયલોટ પ્રોજેક્ટનાં પરિણામો પ્રમાણે મલેરિયાની વેક્સિન સુરક્ષિત છે અને એનાથી ૩૦ ટકા ગંભીર કેસ અટકાવી શકાય છે.
હુના ડેટા મુજબ ૨૦૧૭માં વિશ્વમાં મેલેરિયાના કુલ કેસીસમાં ૯૨ ટકા કેસ આફ્રિકામાં હતા. જે વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયાથી ૪૩૫,૦૦૦ મોત થયા હતા. પાંચ વર્ષ સુધીનાં બાળકોને મેલેરિયા થવાનું જોખમ સૌથી વધુ હોય છે. દર બે મિનિટે એક બાળક મેલેરિયાથી મૃત્યુ પામે છે. મેલેરિયાથી ૨૦૧૯માં વિશ્વભરમાં ૪.૦૯ મિલિયન લોકોનાં મોત નોંધાયાં હતાં, જેમાંથી ૬૭ ટકા મોત ૫ વર્ષથી ઓછી વયનાં બાળકોનાં હતાં.