લંડનઃ કોવિડ-૧૯ની મહામારી પણ ૨૦૨૦ના યુકે-યુગાન્ડા કન્વેન્શનને સફળ બનાવવામાં કોઈ અવરોધ સર્જી શકી ન હતી. ચેરમેન વિલી મુટેન્ઝાના વડપણ હેઠળ ‘યુગાન્ડન્સ ઈન યુનાઈટેડ કિંગ્ડમ’ની સમર્પિત ટીમ દ્વારા ‘ઝૂમ’ની સહાયથી વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. કન્વેન્શનનું થીમ ‘યુગાન્ડાની વણખેડાયેલી ગર્ભિત ઈન્વેસ્ટમેન્ટ ક્ષમતા’ (Uganda’s Untapped Investment Potential) કેન્દ્રરુપ ઉદ્દેશોને બંધબેસતું રહ્યું હતું. ઉદ્દેશોમાં યુકે, યુરોપ, ડાયસ્પોરા અને યુગાન્ડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને ઉત્તેજન, યુગાન્ડામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની સુવિધા તેમજ બિઝનેસીસને નવા બજારોમાં વિસ્તરવા માટે પ્લેટફોર્મ પુરું પાડવા સહિતનો સમાવેશ થાય છે.
યુકેસ્થિત યુગાન્ડાના હાઈ કમિશનર એમ્બેસેડર જુલિયસ પીટર મોટોએ નોંધ લીધી હતી કે કન્વેન્શનનું ફોકસ ત્રણ સેક્ટર્સ- રિયલ એસ્ટેટ, એગ્રીબિઝનેસ તેમજ ફાઈનાન્સ અને બેન્કિંગ પર રહ્યું હતું જે, યુગાન્ડા સરકારના નેશનલ ડેલવપમેન્ટ પ્લાન IIIના હેતુઓને બંધબેસતું હતું. આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે આ સેક્ટર્સ મહત્ત્વના છે. તેમમે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુગાન્ડા ઓઈલ અને ગેસ બિઝનેસ, ટુરિઝમ, મિનરલ્સ, ICT બિઝનેસ, ઔદ્યોગિકીકરણ અને કૃષિ ક્ષેત્રો માટે ખુલ્લું છે. આના માટે તેમણે શાંતિ અને સ્થિરતા, તરફેણદાયક ઈન્વેસ્ટમેન્ટ કાયદાઓ અને પ્રોત્સાહનો, વિશાળ વસ્તી, તાલીમ આપી શકાય તેવી માનવશક્તિ તેમજ સુધારેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યશ આપ્યો હતો.
બીજી તરફ, લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે ગર્ભિત ક્ષમતા ધરાવતા ૩૦થી ઓછી વયના ૭૫ ટકા માનવ સંસાધનો અને ૬.૫ ટકાના વિકાસ સાથે યુગાન્ડા વિશ્વના સૌથી ઝડપે વિકસતા ટોચના ૨૦ અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. દેશમાં કુદરતી સંસાધનો વિપુલ પ્રમાણમાં છે ત્યારે એગ્રીકલ્ચર સેક્ટરમાં માત્ર ૩.૮ ટકાનો ધીમો વિકાસ નિરાશાજનક ગણાય તેવો મત તેમણે દર્શાવ્યો હતો. સુભાષભાઈએ કાનૂની વ્યવસ્થાતંત્રને સ્થિર ગણાવી પ્રશંસા કરી હતી જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણો આકર્ષાય છે.
ડાયસ્પોરા હસ્તક વિકાસની ચાવી
HRH નાબાગેરેકા સિલ્વિયા નાગિન્ડાએ યુગાન્ડાના અર્થતંત્રમાં ડાયાસ્પોરાના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. માઈગ્રેશન અને રેમિટન્સીસ અંગે વર્લ્ડ બેન્ક ૨૦૧૮ના રિપોર્ટ અનુસાર વિશ્વભરના યુગાન્ડનોએ ૨૦૧૮માં ૧.૩ બિલિયન યુએસ ડોલર સ્વદેશ મોકલ્યા હતા. કમનસીબે કોવિડ-૧૯ના કારણે આ રેમિટન્સીસનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. જોકે, નાબાગેરેકાએ મહિલાઓને વધુ સમાવતા અને સશક્ત બનાવી શકે તેવા સાહસો પર નજર રાખવા યુગાન્ડન્સ અને ઈન્વેસ્ટર્સને અનુરોધ કર્યો હતો.
યુકે વિમેન્સ બજેટ ગ્રૂપ ખાતે રિસર્ચ અને નીતિ વિભાગના વડા ડો. સારા રેઈસે સમજાવ્યું હતું કે કોવિડ-૧૯ની અસરો વિશે બહાર આવતા પુરાવાઓ દર્શાવે છે કે મહિલાઓનાં આર્થિક અને ઉત્પાદક જીવનો પર ગંભીર અસરો પડશે. તેમણે કહ્યું હતું કે,‘ યુગાન્ડામાં મોટા ભાગની સ્ત્રીઓ અનૌપચારિક સેક્ટરમાં કામ કરે છે, ઓછું કમાય છે, ઓછી બચત કરે છે અને તેમની નોકરીઓ ઓછી સુરક્ષિત હોય છે તેમજ સામાજિક સુરક્ષાઓની ઓછી સુવિધા મેળવે છે. આના કારણે, આર્થિક આઘાતો સહન કરવાની તેમની શક્તિ પુરુષોની સરખામણીએ ઓછી હોય છે.
દરમિયાન, લંડન ખાતે ૨૦૧૫ના પાંચમા યુગાન્ડા-યુકે કન્વેન્શનમાં નાબાગેરેકાએ ટકાઉ આર્થિક વિકાસમાં યુગાન્ડાની સ્ત્રીઓની ભૂમિકા વિશે એક પેપર રજૂ કર્યું હતું. તેમણે સરકાર અને પ્રાઈવેટ ઈન્વેસ્ટર્સને સ્ત્રીઓને તેમની નીતિઓ અને ઈન્વેસ્ટમેન્ટ નિર્ણયપ્રક્રિયાના કેન્દ્રમાં રાખવા અનુરોધ કર્યો હતો.
રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ
નાઈટ ફ્રાન્ક યુગાન્ડાના મેનેજિંગ ડાયરેક્ટર જ્યુડી રુગાસિરા ક્યાન્ડાએ અંગૂલિનિર્દેશ કરતાં જણાવ્યું હતું કે ઈસ્ટ આફ્રિકા વિસ્તારમાં યુગાન્ડામાં તેની સ્થિતિસ્થાપકતાના લીધે રિયલ એસ્ટેટમાં રોકાણોનું સૌથી ઊંચુ વળતર મળી રહે છે. તેમણે ભાર મૂકતાં કહ્યું હતું કે, ‘યુગાન્ડામાં ઓફિસ, રેસિડેન્શિયલ અને રીટેઈલ સેક્ટરમાં ઊંચા વળતર મળે છે. આ તેને પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ્સ માટે આકર્ષક સ્થળ બનાવે છે.’ તેમણે ઉમેર્યું હતું કે ભાડાં સારાં અને સ્થિર રહ્યાં છે. આ જ પ્રમાણે, હાઉસિંગની તંગી હોવાથી અલ્પથી મધ્યમ આવકનું રેસિડેન્શિયલ સેક્ટર પણ ભારે આકર્ષણ ધરાવે છે. રુગાસિરાએ લોકોને ભાડે આપવા માટે બાંધકામ અથવા ભાડેથી ખરીદી જેવી યોજનાઓ સાથે લો કોસ્ટ હાઉસિંગમાં રોકાણ કરવાં અનુરોધ કર્યો હતો.
હાઉસિંગ ફાઈનાન્સ બેન્ક (HFB)ના મેનેજિંગ ડાયરેક્ટર માઈકલ કે. મુગાબીએ જણાવ્યું હતું કે આફ્રિકામાં સૌથી ઊંચા શહેરીકરણોના દરમાં એક ૫ ટકાનો દર તેમજ તેને સુસંગત ઝડપથી વધતી વસ્તી યુગાન્ડામાં છે. આ બાબત રિયલ એસ્ટેટમાં ડેવલપર્સ અને ઈન્વેસ્ટર્સ માટે વિપૂલ તકનો નિર્દેશ કરે છે. માઈકલે ઉમેર્યું હતું કે,‘ડાયસ્પોરાના ઘણા કસ્ટમર્સે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પોમાંથી ભારે લાભ હાંસલ કર્યા છે.’ કોવિડ-૧૯ના કારણે ડાયસ્પોરા ક્લાયન્ટ્સ ભારે તણાવ હેઠળ આવ્યા હોવાથી HFBએ રીસ્ટ્રક્ચરિંગ લોન્સ અને મોર્ગેજીસના સ્વરુપે ઘણી રાહતો જાહેર કરી છે.
NTV ના ધ પ્રોપર્ટી શોના ઉદ્ઘોષક, ક્રેસ્ટ ગ્રૂપના સીઈઓ એડવિન મુસ્સિમે અમેરિકન ફાઈનાન્સિયલ રાજકારણી રસેલને ટાંક્યા હતા જેમણે કહ્યું હતું કે,‘રિયલ એસ્ટેટ અવિનાશી સંપત્તિ છે જેનું મૂલ્ય સતત વધતું રહે છે...’ અને તેમણે ડાયાસ્પોરાને રિયલ એસ્ટેટમાં રોકાણો કરવાની અપીલ કરી હતી. SM Cathanના સીઈઓ એલાન મુગિશાએ સૂચન કર્યું હતું કે સરકારે શિક્ષકો અને સર્વિસમેન્સ જેવા જાહેર સેવકો માટે સંસ્થાગત હાઉસિંગને પુનર્જિવીત કરવું જોઈએ.
યુકેના આંતરરાષ્ટ્રીય વેપારના વિભાગના કન્ટ્રી ડાયરેક્ટર એરિક ઓલાન્યાએ યાદ કર્યું હતું કે તેમણે લંડનમાં જાન્યુઆરીમાં યુકે-આફ્રિકા ઈન્વેસ્ટમેન્ટ સમિટની યજમાની કરી હતી જ્યાં, યુગાન્ડાએ મિલિયન્સ પાઉન્ડની કિંમતના સોદાઓ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે યુગાન્ડામાં DIT બિઝનેસને પ્રાપ્ત સૌથી મોટું ઉત્તેજન કાબાલે ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ અને નામાન્ગા ઈન્ડસ્ટ્રિયલ પાર્કને ભંડોળ પુરું પાડવા સોવરિન લોન્સના સપોર્ટમાં યુકે એક્સપોર્ટ ફાઈનાન્સના ઉપયોગ થકી હતું. ઓલાન્યાએ ઈન્વેસ્ટર્સને રોકાણો ઈચ્છતા સાહસોને એકસાથે લાવવાના નવા પ્લેટફોર્મ ‘આફ્રિકા ડીલ રુમ’(asokoinsight.com/deals/dit/investor) -નો લાભ લેવાની સલાહ આપી હતી.
આ ઉપરાંત, DFCU બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર મેથિઆસ કાટામ્બાએ ઈન્વેસ્ટમેન્ટ ક્લબ્સ અને SACCOsના મહત્ત્વની ચર્ચા કરી હતી જ્યારે, ઈક્વિટી બેન્ક યુગાન્ડાના ED એન્થોની કિટુકાએ કોવિડ -૧૯ દરમિયાન મોબાઈલ મની સહિત ફાઈનાન્સિયલ ટેકનોલોજીસ (ફિનટેક) જેવાં કેટલાક પરિવર્તનો અપનાવાયા તેના વિશે ઊંડાણથી જણાવ્યું હતું.
નેગેટા ટ્રોપિકલ હોલ્ડિંગ્સ લિમિટેડના સીઈઓ પોલ ઓમારાએ યુગાન્ડાના કૃષિ-ઔદ્યોગિકીકરણના પાયાના નિર્માણ અને કરોડો આફ્રિકન્સને ગરીબીમાંથી બહાર લાવવાના યોગદાનમાં સ્ટેપલ ક્રોપ પ્રોસેસિંગ ઝોન્સની ભૂમિકાની ઊંડાણથી સમજ આપી હતી. આ ઉપરાંત, SACOMA ના ડાયરેક્ટર અને સીઈઓ પેરેઝ ઓચિએંગે યુરોપિયન બજારમાં પ્રવેશ મેળવવા યુગાન્ડાની કૃષિપેદાશો સમક્ષના પડકારો અને જરુરિયાતો વિશે વિસ્તારથી સમજાવ્યું હતું.
કન્વેન્શનના વાઈસ ચેરમેન બર્નાર્ડ માગુલુએ ગત ૧૦ વર્ષ દરમિયાન કન્વેન્શનની સફળતાનો યશ યુકેસ્થિત યુગાન્ડન્સના સહકાર અને શુભેચ્છા તેમજ યુગાન્ડા સરકાર અને મિત્રો તથા પ્રાઈવેટ સેક્ટર સહિતના સમર્પિત પાર્ટનર્સને આપીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
કન્વેન્શનના સ્થાપક વિલી મુટેન્ઝાએ સપોર્ટ આપવા બદલ ડાયસ્પોરા અને બિઝનેસ કોમ્યુનિટી પ્રત્યે આભાર વ્યક્ત કરી સીઝર ચાવેઝને ટાંક્યા હતા કે,‘આપણે આપણી કોમ્યુનિટીની પ્રગતિ અને સમૃદ્ધિ વિશે ભૂલી જઈને ખુદના માટે સિદ્ધિઓ હાંસલ કરવાનું ઈચ્છી શકીએ નહિ...’
૧૧મુ કન્વેન્શન ૧૧-૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસોએ લંડન પ્લાઝા હોટેલ ખાતે યોજાશે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે http://www.ugandanconventionuk.org વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે.