લંડન, વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખડોનાલ્ડ ટ્રમ્પે આગામી મહિનાનો પોતાનો બ્રિટન પ્રવાસ રદ કર્યો છે. ટ્રમ્પ લંડનમાં નવી અમેરિકન એમ્બેસીના ઉદ્ઘાટન માટે જવાના હતા. પ્રવાસ રદ કરવાના કારણમાં પ્રમુખ ટ્રમ્પે લંડનમાં વર્તમાન એમ્બેસી બદલવાનો પુરોગામી ઓબામા વહીવટીતંત્રનો નિર્ણય ખોટો હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પની બ્રિટન મુલાકાતની નવી તારીખ જાહેર કરાઈ નથી. કેટલાક બ્રિટિશ સાંસદોએ જણાવ્યું હતું કે બ્રિટનની મુલાકાત વેળાએ તેમનો ઘણો વિરોધ થશે તેવો અંદાજ પ્રમુખ ટ્રમ્પને આવી ગયો હતો. બ્રિટનમાં વંશીય ભેદભાવ, જાતીય હિંસા અને કલ્પનામાં જીવતા લોકોને કોઇ સ્થાન નથી. તેઓ બ્રિટન આવે તેમ અમારા દેશના કોઈ નાગરિક ઈચ્છતા નથી તેવો દાવો આ સાંસદોએ કર્યો હતો.
ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ પહેલીવાર લંડન જવાના હતા. પ્રવાસ રદ કરવાનું કારણ ગણાવતા ટ્રમ્પે ટિ્વટમાં કહ્યું કે હું મારો લંડન પ્રવાસ રદ કરી રહ્યો છું, કારણ કે નવી એમ્બેસી બનાવવાનો પૂર્વવર્તી ઓબામા તંત્રનો નિર્ણય ખોટો હતો. આ એમ્બેસી લંડનના ગ્રોવનર સ્ક્વેરના સૌથી સારા લોકેશન ખાતે આવેલી હતી, જ્યારે નવી એમ્બેસી ખૂબ જ દૂર બનાવાઇ છે અને તેની પાછળ ૧.૨ બિલિયન ડોલર (૭૫૦ મિલિયન પાઉન્ડ)નો જંગી ખર્ચ કરાયો છે, જે ઘણો ખરાબ સોદો હતો. આ એમ્બેસીનું ઉદઘાટન હું ના કરી શકું. જોકે, હકીકત એ છે કે એમ્બેસી બદલવાનો નિર્ણય જ્યોર્જ બુશના પ્રમુખપદે ૨૦૦૮માં જ લેવાયો હતો. સાઉથ-વેસ્ટ લંડનમાં વોક્સૌલ અને બેટરસી વચ્ચે અમેરિકી દૂતાવાસની નવી ઈમારત ૧૨ માળની અને ક્યૂબ આકારની છે.
ગયા મહિને જ પ્રમુખ ટ્રમ્પે વડા પ્રધાન થેરેસા મેને ખાતરી આપી હતી કે તેઓ નવા વર્ષમાં બ્રિટની મુલરાકાત લેશે. ફેબ્રુઆરી ૨૬ અને ૨૭ના રોજ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થેરેસા મે સાથે મંત્રણાની નોંધ પણ ડાયરીમાં થયેલી છે. જોકે, પાછળની કોઈ તારીખે સંપૂર્ણ સત્તાવાર મુલાકાત ન યોજાય ત્યાં સુધી ક્વીન સાથે તેમંની મુલાકાત થવાની ન હતી. અન્ય વર્તુળો અનુસાર શાહી પરિવાર સંકળાયેલો ન હોવાથી ટ્રમ્પને મુલાકાતમાં ખાસ રસ રહ્યો ન હતો. તેમને બ્રિટનમાં મોટા પાયે વિરોધ થવાનો પણ ભય હતો. તેમણે ગયા વર્ષે થેરેસા મેને જણાવ્યું હતું કે જો બ્રિટિશ પ્રજાનું સમર્થન હાંસલ ન થાય તો તેઓ મુલાકાત લેવામાં આગળ નહિ વધે.
ટ્રમ્પની જાહેરાતના પગલે બ્રિટિશ રાજકારણમાં પણ ગરમી આવી છે. લંડનના મેયર સાદિક ખાને કહ્યું ટ્રમ્પને યુએસસમર્થક લંડનવાસીઓ પાસેથી ખબર પડી ગઇ હતી કે લંડનમાં તેમની નીતિઓ અને કાર્યવાહીઓનો શાંતિપૂર્ણ રીતે મોટા સ્તરે વિરોધ થવાનો છે. આથી જ, અહીં ન આવવામાં જ તેમણે પોતાની ભલાઈ સમજી છે. સાદિકે કહ્યું કે ટ્રમ્પને સ્ટેટ ગેસ્ટ બનવાનું આમંત્રણ આપીને વડા પ્રધાન થેરેસા મેએ ભૂલ કરી હતી. આશા છે કે ટ્રમ્પ પોતાના વિભાજનકારી એજન્ડા વિશે ફરી એકવાર વિચારશે. ઉલ્લેખનીય છે કે અતિ જમણેરી બ્રિટન ફર્સ્ટ ગ્રૂપના મુસ્લિમવિરોધી પ્રોપેગન્ડાને ફરી ટ્વીટ કરવાના મુદ્દે નવેમ્બરમાં થેરેસા અને ટ્રમ્પ વચ્ચે શાબ્કિદ યુદ્ધ થયું હતું. બીજી વખત, જેલુસાલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના નિર્ણયની પણ વડા પ્રધાને ભારે ટીકા કરી હતી. જોકે, ૧૯ ડિસેમ્બરે બંને નેતાઓની વાતચીત પછી મુલાકાત યોજાવા અંગે સત્તાવાળાને શંકા રહી ન હતી.