સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી પોતાના જીવન અને કવનથી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી કાર્યોની આભા પ્રસરાવી શનિવાર, ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થતા લાખો હરિભક્તો ચોધાર આંસુએ રડ્યા હતા. પૂજ્ય સ્વામીજીએ હરિભક્તોને પોતાના બનાવ્યા હતા. તેમના જીવનને માર્ગદર્શન આપ્યું હતું. કેટલાક શ્રદ્ધાળુઓએ તેમનું આ શબ્દોમાં સ્મરણ કરી લાગણી વ્યક્ત કરી હતી.
મારા ગુરુ, મિત્ર અને પ્રેરણાસ્રોતઃ મયુર પટેલ
વિશ્વ પ્રમુખસ્વામી મહારાજને BAPS ના આધ્યાત્મિક નેતા, વિશ્વભરમાં ૧,૧૦૦ મંદિરના નિર્માણ અથવા સમાજને નિઃસ્વાર્થ સેવા આપનારા તરીકે ઓળખે છે, પરંતુ મારા માટે તેઓ ગુરુ, મિત્ર અને પ્રેરણાસ્રોત જ હતા. વૈશ્વિક સંસ્થાના પ્રમુખ તેમજ રાષ્ટોના વડાઓ અને મહાનુભાવો દ્વારા સન્માનિત હોવા છતાં તેમના માટે હજારોની ભીડમાં એક યુવાન છોકરો ન હતો. તેઓ મારા જીવનની નાની બાબતો અને શિક્ષણની પ્રગતિ વિશે પૂછપરછ કરતા હતા. તેમનું આ બધું કાર્ય અપેક્ષારહિત અને માત્ર કરુણાના લીધે જ હતું. તેઓ શારીરિક રીતે અમારી સાથે નથી, પરંતુ હું જાણું છું કે તેઓ કદી મારો હાથ છોડશે નહિ.
મારાં માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજઃ રેના અમીન
મારાં ગુરુ પ્રમુખસ્વામી મહારાજના નિધનના દુઃખદ સમાચાર ૧૩ ઓગસ્ટે સાંભળ્યાં ત્યારે જીવનમાં પ્રથમ વખત ‘એકલા’ હોવાનો અહેસાસ થયો. હું તેમને પ્રેમથી ‘બાપા’ કહીને બોલાવતી. મારાં વ્યવસાયનો માર્ગ પસંદ કરવાથી માંડી મારા પતિ સાથે પરિચય સહિત જીવનમાર્ગના પ્રત્યેક પગલે તેઓ મારી સાથે રહ્યા હતા. બાપા માનવતાના મહાન સ્થપતિ, નેતા, શિક્ષક, ઉપદેશક અને સૌથી વધુ તો દિવ્ય અને દયાળુ ગુરુ હતા. વિશિષ્ઠ કલ્પનાશીલ હોવા સાથે બાપાએ દર્શાવ્યું હતું કે વિનમ્રતા અને ખંત સાથેનો પરિશ્રમ કોઈ પણ વ્યક્તિ માટે પાયો બની શકે છે.
ગુરુ અને પિતાતુલ્ય સ્વામીબાપાઃ પ્રોફેસર ડો. સેજલ સગલાણી
પ્રમુખસ્વામી મહારાજે મને હિંદુત્વના કેન્દ્રરુપ મૂલ્યો અને સંસ્કૃતિમાં આસ્થા માટે પાયારુપ સમજ પૂરી પાડી હતી. તેમણે મને ‘વિનમ્ર રહો, અન્યોમાં સારી વાતો નિહાળી તેને ગ્રહણ કરો, અન્યોના કલ્યાણ અને આનંદમાં જ આપણી ખુશી છે, પારસ્પરિક પ્રેમ અને સમજ કેળવી પારિવારિક સંવાદિતા વિકસાવો અને તમે જે પણ કરો શ્રેષ્ઠતા સાથે કરો’ના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવ્યા હતા. સ્વામીશ્રીનું જીવન આ મૂલ્યોનું પ્રતીક હતું. સ્વામીશ્રી મારાં ગુરુ અને પિતાતુલ્ય હતા. તેમણે મને જીવનના દરેક તબક્કે માર્ગદર્શન, પ્રેરણા અને દિશાસંકેત પૂરાં પાડ્યા હતા. આ સંબંધોને દર્શાવી શકે તેવા કોઈ શબ્દો મારી પાસે નથી.
મારા મદદગાર પ્રમુખસ્વામી મહારાજઃ પિયુષ અમીન
મને પ્રમુખસ્વામી મહારાજ સાથે કામ કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. તેમણે નવેમ્બર, ૧૯૯૧માં ખંડેર જેવી હાલતની નીસ્ડન હાઈસ્કૂલની જગ્યાએ પછીના સપ્ટેમ્બરમાં હિંદુ સ્કૂલ શરૂ કરવાની અંતરની ઈચ્છા મને જણાવી. મને મૂંઝવણ સાથે આશ્ચર્ય થયું. મારી પાસે ૧૦ મહિનાનો જ સમય હતો અને સમસ્યાઓનો કોઈ પાર ન હતો. શિક્ષકો, વિદ્યાર્થીઓ, ફંડની સમસ્યા, બિસ્માર બિલ્ડીંગ અને મારી પત્ની પણ પ્રસૂતા હતી. સમસ્યાઓનો સામનો કરવામાં તેઓ મારી સાથે રહ્યા. યોગીજી મહારાજના સ્વપ્નને પૂરું કરવા માટે ઈન્ટર્વ્યુથી લઈને નાણાકીય નિર્ણયો સહિત તમામ કાર્યોમાં તેમણે મને મદદ કરી. મને સારો વોલન્ટિયર બનાવ્યો. હાલ આ સ્કૂલ યુકેની શ્રેષ્ઠ સ્કૂલો પૈકીની એક છે.
સીમારહિત વિનમ્રતા અને શાંતિના દૂતને ભાવાંજલિઃ નિખિલ સગલાણી
પ્રમુખસ્વામી મહારાજે વિશ્વના લાખો લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. તેમની દ્રષ્ટિએ તમામ એકસમાન હતા. મને ત્રણ વિવિધ કોન્ટિનેન્ટમાં ઘણા પ્રસંગોએ તેમના આશીર્વાદ મેળવવાની તક સાંપડી હતી. ચેન્નાઈમાં ૨૦૦૬માં થયેલો અનુભવ હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. હું થોડાક દિવસ તેમની સાથે રહ્યો હતો. તેમણે દરરોજ શું કર્યું, શું ખાધું તેની હું નોંધ લખતો હતો. ચોથા દિવસે હું મારી ડાયરી ભૂલી ગયો. રૂમમાં પ્રવેશતા જ તેમણે લખતા હોય તેવો ઈશારો કરીને મને ડાયરી ક્યાં છે તે પૂછ્યું. તે અઠવાડિયે તેઓ સેંકડો લોકોને મળ્યા હતા. પરંતુ, તેઓ આ આઠ વર્ષના બાળકની એટલે કે મારી ટેવ ભૂલ્યા ન હતા.
સમાજ સુધારક પ્રમુખસ્વામી મહારાજઃ ભરત પટેલ
નાની વયે BAPS સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળવા છતાં પ્રમુખસ્વામી મહારાજ ખૂબ નમ્ર, દયાળુ અને માફ કરવાની વૃત્તિ ધરાવતા રહ્યા હતા. સંસ્થાનું કોઈ પણ કાર્ય પોતે પૂરું કર્યું હોવાનો યશ તેમણે ક્યારેય લીધો ન હતો ધાર્મિક પ્રસંગોએ તેમણે વિશ્વશાંતિ માટે યજ્ઞો કરાવ્યા હતા. દરેકને સ્વસ્થ જીવન જીવવાની, પોતાના પરિવારની સંભાળ લેવાની અને વ્યસનો છોડી દેવાની તેમણે પ્રેરણા આપી. આ નિયમો મુજબ જીવતા લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આ મહાન સંત વિશે ઘણા પુસ્તકો લખાયા છે પરંતુ પ્રમુખસ્વામીના જીવન અને કવન તથા ભગવાન સ્વામીનારાયણ વિશે દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરાય તો સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય.