લંડનઃ પર્યાવરણીય અને અણુશસ્ત્રો સહિતની સમસ્યાઓથી ઘેરાયેલી પૃથ્વી ‘પ્રલયના દિવસ-Doomsday’ તરફ આગળ વધી રહી છે. બુલેટીન ઓફ એટમિક સાયન્ટિસ્ટ્સની જાહેરાત અનુસાર પ્રલયદિન માટે Doomsday Clock માં માત્ર ૧૦૦ સેકન્ડ બાકી રહી છે. આ સતત ત્રીજા વર્ષે ક્લોકમાં મધરાત થવામાં૧૦૦ સેકન્ડનો સમય બાકી રહ્યો હોવાનું દર્શાવાયું છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના આરંભે પણ ૧૧:૫૮:૨૦નો સમય મૂકાયો હતો.
ડૂમ્સડે ક્લોકની રચના છેક ૧૯૪૭માં અણુબોમ્બ્સના ઉદ્ભવ અને શીતયુદ્ધના પ્રભાતે કરવામાં આવ્યા પછી પૃથ્વી માટે મધરાત અથવા તો પ્રલય કેટલો નજીક છે તે આ ઘડિયાળમાં દર્શાવાતું રહ્યું છે. આ ક્લોકમાં કાંટાની હેરફેર બે ઉત્તર પર આધાર રાખે છેઃ શું આપણી માનવજાત ગયા વર્ષ કરતા વધુ સલામત છે અને માનવજાત ગત ૭૫ વર્ષમાં માનવસર્જિત જોખમો કે ધમકીઓ સામે વધુ સલામત હતી? ૨૦૨૨ના આરંભે આ ક્લોક ભારપૂર્વક કહે છે કે સુધારો થયો છે પરંતુ, ઘડિયાળના કાંટા પાછા લઈ જવાય તેવો સુધારો થયો નથી. આથી જ કાંટા યથાવત રખાયા છે.
વિશ્વમાં અણુશસ્ત્રોનો ખડકલો વધી રહ્યો છે, ક્લાઈમેટ ચેન્જ સંદર્ભે કામગીરી અને નિષ્ક્રિયતા, યુએસમાં ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બંડખોરી, મહામારી અને તેને સંબંધિત ગેરમાહિતીના ધોધ સહિતની વૈશ્વિક સમસ્યાઓ ઘટી નથી. ડૂમ્સડે ક્લોકના ૭૫ વર્ષ પછી ઘણા દેશો અણુશસ્ત્રો ધરાવતા થઈ ગયા છે ગ્રીનહાઉસ ગેસીસને નાથવામાં ઉદાસીનતા સાથે નિષ્ફળતા જ મળી છે. ઓનલાઈન ગેરમાહિતી, સાયબરવોરફેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વિઘાતક ટેકનોલોજીઓ પર નિયંત્રણો નથી.
છેલ્લે ૧૯૯૧માં સોવિયેત યુનિયન અને યુએસના સંબંધોમાં હળવાશ આવી, બે જર્મનીનું એકીકરણ થયું અને વ્યૂહાત્મક શસ્ત્રો ઘટાડવાની સંધિ થવાના પરિણામે ઘડિયાળના કાંટાએ રાત્રિના ૧૧.૪૩નો સુમાર બતાવ્યો હતો. જોકે, અણુયુદ્ધનું જોખમ જરા પણ ઘટ્યું નથી.