લંડનઃ બેરોનેસ ઉષા પરાશર (સીબીઇ)ને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં આવ્યાં છે. ફિક્કી યુકેના પૂર્વ ચેરમેન પરાશરે જણાવ્યું હતું કે, પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત કરીને ઘણું ગૌરવ અનુભવી રહી છું. વતનના દેશ તરફથી આ પ્રકારે સન્માન થવું કોઇપણ વ્યક્તિ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ સન્માન મારા જીવનમાં અત્યંત મહત્વ ધરાવે છે.
બેરોનેસે જણાવ્યું હતું કે, પ્રવાસી ભારતીય સન્માનથી ન કેવળ મારા વતનના દેશ સાથેના મારા સંબંધ અને લાગણી મજબૂત બન્યાં છે પરંતુ વર્તમાન અને ભવિષ્યના વિકસિત ભારત સાથેના મારા જોડાણને પણ મજબૂત બનાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુમ્બકમની ભાવના સર્વના વિકાસ, ક્લાઇમેટ ચેન્જ, અસમાનતા અને શાંતિ જેવા મહત્વના મુદ્દાઓમાં વૈશ્વિક પરિપેક્ષ્યમાં મદદ કરશે અને તે આપણા મૂલ્યો સાથે સંકળાયેલ છે. પ્રવાસી ભારતીય સન્માન આ મૂલ્યોને તાજા કરે છે, નવા જીવનમાં મદદ કરે છે અને વડના વૃક્ષની જેમ ભારતીય ડાયસ્પોરા દ્વારા આ મૂલ્યો સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યાં છે.