લંડનઃ ઝૂરીચથી લંડનની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી માતા અને તેની પુત્રીએ પ્રામ રાખવાના મુદ્દે પાયલટ સાથે ઝઘડો કરીને તેને માર માર્યાનો કિસ્સો કોર્ટમાં આવ્યો છે. ૫૩ વર્ષીય માતા મેરી રોબર્ટ્સ અને તેની ૨૩ વર્ષીય પુત્રી હેનરીટા મીટાએરે પર આરોપ છે કે બીજી મે ૨૦૧૯ના રોજ તેઓ હિથ્રો એરપોર્ટ પહોંચ્યા ત્યારે સ્વિસ એરના પાયલટે તેમને પ્રામને હોલ્ડમાં રાખવા દેવાનો ઇન્કાર કર્યો હતો. આથી નારાજ માતા-પુત્રીએ પાયલટ સાથે ઝઘડો કર્યો હતો અને ધક્કો મારીને કોકપિટમાં ઘૂસી ગયાં હતાં. એટલું જ નહીં, માતા-પુત્રીએ પાયલટ પર હુમલો કરીને તેને બચકા ભર્યા હોવાનો ફરિયાદમાં આરોપ મૂકાયો છે. જોકે માતા અને પુત્રી બન્નેએ પોતાની સામેનાં આરોપ ફગાવ્યા હતાં. તેમણે દાવો કર્યો હતો કે પાયલટના વલણના કારણે તેમને પ્રામ વગર જ બાળક સાથે વિમાન પ્રવાસ કરવો પડ્યો હતો. લંડન પહોંચ્યા બાદ તેમણે સંબંધિત કર્મચારીની વિગતો માટે આગ્રહ રાખ્યો હતો. જોકે તેમને આ માહિતી આપવા ઇન્કાર કરાતાં પાયલટ સાથે ઝપાઝપી થઇ હતી.